Wednesday, September 11, 2013

Duble Kaji ni Mahabharat (Vanzara, fake encounters and Mahabharat analogy!)

સારે ગાંવ કી ફિકર - દુબલે કાજી

મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી બીજે દિવસે હ્યુમન રાઈટ્સવાળાઓની એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી એવું જાણવા મળ્યું છે. ઈતિહાસકારો કહે છે કે માનવ અધિકારવાળાઓને આ યુદ્ધમાં સૌથી મોટો કલ્પ્રિટ અર્જુન જણાયો. ઈન્દ્રપ્રસ્થની અદાલતમાં અર્જુન પર સંખ્યાબંધ ફેક એન્કાઉન્ટરના કેસ દર્જ થયા. અર્જુનની ધરપકડ થઈ. એને
જ્યુડિશ્યલ કસ્ટડી હેઠળ જેલમાં રાખવામાં આવ્યો.

અંડર ટ્રાયલ કેદી તરીકે અર્જુન હજુ જેલમાં સેટલ થાય ન થાય ત્યાં હસ્તિનાપુરની અદાલતે એની ધરપકડનું વૉરંટ કાઢ્યું. ઈન્દ્રપ્રસ્થની અદાલતના કેસો પણ હસ્તિનાપુરની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.

અર્જુનના ફેક એન્કાઉન્ટરના કેસો વિશે ભારતનાં છાપાઓમાં રોજ નવી નવી વાતો છપાતી. દુર્યોધન મરતી વખતે જેને પોતાની જાયદાદ સોંપતો ગયો હતો એવા એક પત્રકારે અર્જુનના ફેક એન્કાઉન્ટરને વખોડી નાખતાં લખ્યું: ‘અર્જુનનો પોકળ
દાવો છે કે આ યુદ્ધ ધર્મયુદ્ધ હતું. અમારી પાસે ડૉક્યુમેન્ટ્સ છે કે બે કઝિન્સ વચ્ચેનો પ્રોપર્ટીને લગતો આ ઝઘડો હતો. અર્જુને સોપારી આપીને અડોશપડોશના રાજાઓને બોલાવ્યા અને દુર્યોધન સહિતના બધા કઝિન્સનું એન્કાઉન્ટર કરાવ્યું.’

અર્જુનને ઈન્દ્રપ્રસ્થની સેન્ટ્રલ જેલમાંથી હસ્તિનાપુરના મધ્યવર્તી કારાગૃહમાં લાવવામાં આવ્યો તેને કારણે એ અપસેટ હતો. જેલની મુલાકાતે આવનારા અર્જુનના સંબંધીઓએ હવે છેક હસ્તિનાપુર સુધી લાંબા થવું પડતું. અધૂરામાં પૂરું જે રીતે એના ધર્મયુદ્ધને પ્રોપર્ટીના ઝઘડાને કારણે થયેલા એન્કાઉન્ટરમાં ખપાવી દેવાનું કાવતરું રચાયું એને કારણે એની નિંદ હરામ થઈ ગઈ હતી.

અર્જુન રાતના ઉજાગરાઓ કરતો. કૌરવોને ખતમ કરીને આ પૃથ્વી પરનો પાપનો બોજો હળવો કરી નાખવાની ખુશી માણવાને બદલે એ રોજ જેલના સળિયા ગણતો. સો વખત ગણીને થાકી જતો ત્યારે છેક વહેલી સવારે એ ઊંઘી જતો.

એક સવારે એ હજુ માંડ સૂતો હતો ત્યાં જેલના વૉર્ડરે એને જગાડ્યો. ‘આજે કોર્ટમાં પેશગી છે. તૈયાર થઈ જા.’ કોર્ટમાં જવાનું હતું એટલે અર્જુન નાહ્યો, દાઢી પણ કરી. કોર્ટમાં જવા માટેનાં સ્પેશિયલ રાખી મૂકેલાં ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી લીધાં. પોલીસના ચાર ઘોડા જોડેલા ડબામાં અર્જુનને અદાલતમાં લાવવામાં આવ્યો.

હસ્તિનાપુરની સેશન્સ જજના ન્યાયાધીશે કહ્યું, ‘કઠેડામાં ઊભા રહીને સોગંદ ખાઓ અને જે કંઈ પૂછું તેનો સાચેસાચો જવાબ આપો. કાલે તમને સજા સંભળાવતાં પહેલાં જુબાની આપવાનો આ છેલ્લો મોકો આપવામાં આવે છે.’

અર્જુને ગીતા પર હાથ મૂકીને સાચું બોલવાના સોગંદ લીધા. જજે પૂછ્યું,

‘તમે શા માટે કુરુક્ષેત્રમાં આટલાં બધાં ફેક એન્કાઉન્ટર કર્યાં?’

‘નામદારસાહેબ, આમાંનું એક પણ એન્કાઉન્ટર મેં મારી મરજીથી નથી કર્યું.’

‘ખરેખર?’

‘જી, નામદાર. હું તો હથિયાર છોડીને ઘરભેગો થઈ જવા માગતો હતો.’

‘તો પછી તમારો નિર્ણય બદલાયો કેવી રીતે?’

‘માય લૉર્ડ, મને સમજાવવામાં આવ્યો, મને આદેશ આપવામાં આવ્યો કે મારે મારી ફરજ સમજીને એન્કાઉન્ટર કરવાનાં જ છે.’

‘કોણે તમને સમજાવ્યા?’

‘હું જેમને મારા ભગવાન માનું છું એમણે મને સમજાવ્યો.’

‘કોઈ પુરાવો છે આ વાતનો? સાબિતી આપો.’

‘આ રહી સાબિતી. બધા જ પુરાવા એમાં છે.’ કહીને અર્જુને પોતાના હાથમાંની
ભગવદ્ ગીતા નામદાર કોર્ટના ટેબલ પર મૂકી દીધી.

Source: Mumbai Samachar dated 5th September, 2013

2 comments: