Wednesday, March 11, 2015

જય જય શિવ શંકર! --- ખરાબ માણસોના વાંકે આખા ધર્મને બદનામ ન કરવો જોઈએ : અમિષ ત્રિપાઠી --- ઈન્ટરવ્યુ ઓફ ધ વીક - નંદિની ત્રિવેદી

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=82106


ખરાબ માણસોના વાંકે આખા ધર્મને બદનામ ન કરવો જોઈએ : અમિષ ત્રિપાઠી.

                             

જે લેખકના પુસ્તકની વીસ લાખ નકલો ચપોચપ ઉપડી ગઈ છે એ અમિષ ત્રિપાઠી વિશે ન જાણતો હોય એવો યુવાન કે યુવતી ભાગ્યે જ કોઈ હશે. હા, એ વ્યક્તિ પુસ્તકપ્રેમી હોવી અનિવાર્ય છે. સૌ પ્રથમ ‘શિવા ટ્રાયોલોજી’ દ્વારા રાતોરાત જેઓ દેશના બેસ્ટ સેલર રાઈટર બની ગયા એ અમીષનાં બે પુસ્તકો ‘ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ અને ‘ધ સીક્રેટ ઓફ નાગાઝ’ વિશે તમને પહેલાં થોડું કહી દઈએ. આપણી પુરાણકથાઓ, મહાકાવ્યો, દંતકથાઓ વિશે હંમેશાં દરેકને કુતૂહલ હોય છે. આ કથાઓનું યુગે યુગે અર્થઘટન પણ બદલાતું ગયું છે. અમીષનાં બન્ને પુસ્તકોમાં ભગવાન શિવની કથા નવા અર્થઘટન અને તદ્ન નવી ફેન્ટસી સાથે રજૂ થઈ છે. પુસ્તકમાં એવું દર્શાવ્યું છે કે ભગવાન શિવજી હજારો વર્ષ પહેલાં એક ઐતિહાસિક પુરુષ જ હતા. પરંતુ, એમના કર્મ એટલાં મહાન હતાં કે લોકો એમને ભગવાન માનવા માંડ્યા. આવા આ મહામાનવનાં સાહસો, એમનાં યુદ્ધો, રાજકુમારી સતી સાથેની પ્રેમકહાની અને શિવની ફિલોસોફીને અમિષે તેમની શિવા ટ્રાયોલોજીમાં રજૂ કરી છે. એ સિવાય તેમનાં બન્ને પુસ્તકોમાં ઈવિલ યાને કિ અનિષ્ટ તત્ત્વ, દુષ્ટાત્મા કે પાપી કોણ છે? શા માટે છે? હોય તો એને નિવારી કઈ રીતે શકાય એની એક મહાખોજ છે. સફળતાનો નશો જેમના સર પર જરાય સવાર નથી થયો એ અમીષનાં પત્ની પ્રીતિ ગુજરાતી છે. માહિમના ૧૩મા માળના એમના મકાનમાં બન્નેની મહેમાનગતિ સાથે અમારી ગોષ્ઠિ શરૂ થાય છે. તો ચાલો મળીએ અમિષજીને. 

તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ? પુસ્તક લખવાનો વિચાર કઈ રીતે આવ્યો?

મૂળ હું બનારસનો, જન્મ્યો છું મુંબઈમાં જ. બનારસમાં મારા દાદા સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા અને પિતા શિક્ષક. અમારો પરિવાર ધાર્મિક ખરો પણ ધર્મજડ નહીં. હું માનું છું કે જે ખરા અર્થમાં ઘાર્મિક હોય તે વ્યક્તિ લિબરલ હોય છે. એ પોતાના ધર્મને જેટલો આદર આપે એટલો જ બીજાના ધર્મને પણ આપે. મે ંક્યારેય નહોતું વિચાર્યું કે હું લેખક બનીશ. જરા પણ ક્રીએટીવ માઈન્ડ નહીં! બચપણમાં તો ખેલકૂદ કરતો, બોક્સિગં-જિમેનસ્ટીક્સના ક્લાસીસ કરતો. ભણવામાં સારો હતો તેથી સ્વાભાવિકપણે મા-બાપે સાયન્સમાં જ મોકલી દીધો. મેથેમેટ્કિસ સાથે બીએસસી કર્યું. પુસ્તક લખ્યું અને સફળ થયું એ તો માત્ર શિવજીની કૃપા. મને તો એમ જ લાગે છે કે જો મારા જેવો માણસ પુસ્તક લખી શકે તો કોઈ પણ વ્યકિત લખી શકે. 

તમારી પ્રકૃતિ પહેલેથી ધાર્મિક જ હતી? 

ઘરમાં વાતાવરણ ધાર્મિક જ હતું એટલે એ સંસ્કાર તો હોય જ. પરંતુ, ૧૯૯૦ની આસપાસના ગાળામાં હું નાસ્તિક બની ગયો, જેનું કારણ હતું અવારનવાર થતાં કોમી રમખાણો. મારી ઝેવિયર્સ કોલેજમાં અમારું જે ફ્રેન્ડ સર્કલ હતું એમાં જુદી જુદી કોમના મિત્રો હતા. આવાં રમખાણો જોઈને અમને થયું કે બધા ઝગડાનું મૂળ ધર્મ છે. જોકે, મારા પિતા હંમેશાં કહેતા કે માણસ ખરાબ હોય છે, ધર્મ નહીં. ખરાબ માણસોના વાંકે ધર્મને બદનામ ન કરવો જોઈએ. આ ફિલોસોફી મને બહુ મોડી સમજાઈ, પણ જેમ જેમ પુસ્તક લખતો ગયો તેમ વળી પાછો ધર્મ તરફ ખેંચાતો ગયો. 

શિવા ટ્રાયોલોજી લખવાનો ઉદ્ેશ શું હતો? આ જ ક્ધસેપ્ટ કેવી રીતે દિમાગમાં આવી? 

પુસ્તક લખવાના મૂળમાં અમારા ઘરમાં થયેલી ફિલોસોફિકલ ચર્ચાને હું કારણભૂત માનું છું. એક વાર અમે ટીવી જોતાં હતાં દરમ્યાન એક એવી માહિતી આવી જેના પરથી આખું કુટુંબ વાદવિવાદમાં ઊતરી પડયું. તે વખતે મારા મનમાં એક વિચાર ઝબક્યો કે ‘વોટ ઈઝ ઈવિલ?’ દુષ્ટ તત્ત્વ છે શું? શું સંજોગો માણસને દુષ્ટ બનાવે છે? બસ, આ વિચાર એક એડવેન્ચરમાં તબદીલ થઈ ગયો અને મને થયું કે આના પર મારે સંશોધન કરવું જોઈએ. લોકો સુધી પહોંચાડવું જોઈએ કે ખરેખર દુષ્ટ તત્ત્વ શું છે અને જો હોય તો એને નિવારી કઈ રીતે શકાય! આ ફિલોસોફીને આધારે મારા વિચારો મેં ટપકાવવા માંડ્યા. હું લખું છું તે વિચારો ક્યાંથી આવે છે ખબર નથી. લેપટોપ ખોલું ને પાનાં ભરાવા માંડે. તમે માનશો? મારાં પહેલાં બે પુસ્તકો મેં કારની બેકસીટમાં બેસીને લખ્યાં છે. હું તો સામાન્ય મધ્યમવર્ગી બેન્કર હતો. મુંબઈમાં જોબ પર પહોંચતાં દોઢેક કલાક લાગે તેથી કારમાં લેખનકાર્ય ચાલે. બે પુસ્તકની સફળતા પછી મેં નોકરી છોડી દીધી તેથી હવે થોડી લકઝરી પોસાય. ૨૭મી ફેબ્રુઆરીએ પ્રગટ થનારું મારું ત્રીજું પુસ્તક ‘ધ ઓથ ઓફ વાયુપુત્ર’ મેં સિંગાપોરમાં, અમુક ભાગ બનારસમાં અને બાકીનું પુસ્તક ઘરના સ્ટડી રૂમમાં જ પૂરું કર્યું. કાજોલ અને અનિલ ધારકરના હસ્તે એનું વિમોચન ૨૬ ફેબ્રુઆરીએ થશે. પુસ્તક લખવા માટે અમુક ચોક્કસ વાતાવરણ જોઈએ જ એવું હું નથી માનતો. મારે માટે તો શિવજી જ કહાની મોકલી રહ્યા છે એટલે જે મનમાં આવે તે લખતાં જવું એમ વિચારીને લખું છું. 

તમારી નવલકથામાં એક નવા પ્રકારની ફેન્ટસી છે. શું એ ભારત અને પાશ્ર્ચાત્ય સંસ્કૃતિનું સંયોજન છે?

કહેવાય છે કે હિન્દુ શાસ્ત્રમાં ૧૮ મહા પુરાણ છે. હકીકતમાં ૧૯ મહાપુરાણ છે. શૈવ સંપ્રદાય પર આધારિત અનેક પુરાણ છે. કાર્તિકેયનો જન્મ સ્કંધ પુરાણમાં અલગ બતાવ્યો છે અને શિવપુરાણમાં અલગ રીતે બતાવાયો છે. ઉત્તરોત્તર આ બધી કથાનાં અર્થઘટનો જુદાં જુદાં થયાં છે. મને એવો વિચાર આવતો કે આ એવી તે કેવી વાર્તા હશે કે જેનું અર્થઘટન એક મિથ બની ગઈ! તેથી શિવ કથામાં રસ પડવા માંડ્યો. હું શિવ પુરાણથી વધુ પ્રેરણા પામ્યો છું. શિવકથાને મેં આધુનિક સ્પર્શ આપ્યો છે. મોડર્નાઈઝ કરી છે, વેસ્ટર્નાઈઝ્ડ નહીં! ઉત્તર ભારત, ગુજરાત, મહારાષ્ટ્રમાં તુલસીકૃત રામ ચરિત માનસ વધુ પ્રચલિત છે. તુલસીદાસે વાલ્મિકી રામાયણને સોળમી સદીમાં આધુનિક બનાવ્યું અને એ લોકપ્રિય થયું. તુલસીકૃત રામ ચરિત માનસ અને વાલ્મિકીમાં રામાયણમાં ઘણો ફરક છે. આધુનિકીકરણની પ્રથા હજારો વર્ષથી ચાલી આવે છે. દક્ષિણ ભારતમાં જે રામાયણ છે તેમાં રાવણ સારો માણસ હતો, શિવભક્ત હતો, તેણે તાંડવ સ્તોત્રની રચના કરી જેવી હતારાત્મક વાતો પર ભાર મુકાયો છે. એણે જીવનમાં ભૂલો કરી પણ એના સારાં લક્ષણોને નજરઅંદાજ ન કરી શકાય. છત્તીસગઢ-ઝારખંડના ટ્રાઈબલ રામાયણમાં જાઓ તો એમના રામાયણમાં સીતા વોરિયર છે, યોદ્ધા છે. એમણે લક્ષ્મણને બચાવવા બહુ મોટું યુધ્ધ કર્યું હતું એમ નોંધાયું છે. શિવા ટ્રાયોલોજી એ મારી ભગવાન શંકર પ્રત્યેની ભક્તિ છે, મારે માટે સત્ય શિવજી છે. અને એ વાતને મેં મારા પુસ્તકમાં મુકી છે. 

પુસ્તકની કેટલીક બાબતો સામે ધાર્મિક લોકોએ વિરોધ ન કર્યો?

જરા પણ નહીં. મહાભારત-રામાયણ-પુરાણોનું નવું અર્થઘટન કરવાનો દરેકને અધિકાર છે. અને પુસ્તક બાબતે વિવાદને કોઈ સ્થાન નથી. મારાં બન્ને પુસ્તકમાં વાચક સાફ જોઈ શકશે કે હું શિવજીની આરાધના કરું છું, શિવભક્ત છું. ભક્તિભાવ રૂપે કથા લખી છે, ધર્મ કે ઈશ્ર્વરના અપમાન માટે નહીં. ઋગ્વેદમાં દર્શાવ્યું છે કે પુરુષ (મેન નહીં, અહીં પુરુષનો અર્થ છે ઓરિજનલ ફોર્સ ઓફ લાઈફ) ના બલિદાનથી એના અનેક ટુકડા થયા અને એ જુદા જુદા ભાગમાંથી આકાશ, મનુષ્યો ઈત્યાદિનું સર્જન થયું. આ જ કથાને સ્કંધ પુરાણમાં જુદી રીતે દર્શાવાઈ છે. એમાં પુરુષને બ્રહ્મા બનાવી દીધો. ધર્મ અને ઉદારમતવાદ સાથે ચાલે છે. ઈશ્ર્વર એક જ છે, એમના સુધી પહોંચવાનો રસ્તો દરેકનો જુદો હોઈ શકે. 

‘ધ સીક્રેટ ઓફ નાગાઝ’માં નાગાઝનો અર્થ તમે નાગા બાવા કરો છો? શિવા ટ્રાયોલોજીમાં વાયુપુત્ર કઈ રીતે આવે? 

નાગાઓનો અર્થ માત્ર નાગા બાવા નથી. ઘણીવાર લોકો નાગાબાવાઓને નકારાત્મક રીતે રીતે જુએ છે. તેમને સામાન્ય માણસ સમજતા નથી. આવો પૂર્વગ્રહ શા માટે? આપણે જેમને ઈવિલ સમજીએ છે તે ઈવિલ નથી. એનો વિચારવાનો તરીકો અલગ છે. મારા પહેલા પુસ્તકમાં કોઈને લાગે કે નાગાઓ ખરાબ છે પણ બીજા પુસ્તક સીક્રેટ ઓફ નાગાઝમાં જુદું જ રહસ્ય પ્રગટે છે. ઋગ્વેદમાં વાયુપુત્રને મારુત કહેવાતો. ૪૯મા મારુત એ રૂદ્રના પુત્ર કહેવાયા છે. વાયુપુત્ર વિશે બે મીથ છે. પુરાણમાં કદાચ એ કશ્યપ અને દીતીનો પુત્ર હતો એમ કહેવાયું છે. પરંતુ, મારું અર્થઘટન ઋગ્વેદ પર આધારિત છે. 

ભવિષ્યમાં આ જ પ્રકારનાં પુસ્તક લખશો?

મારી પેશન તો રિલીજયન, હિસ્ટરી અને ફિલોસોફીમાં જ છે. એ એરિયામાં વધુ કામ કરવાની ઈચ્છા છે. ભગવાન મનુ, મહાભારત, અકબર આધારિત વાર્તા લખવી પણ ગમે. 

મનુએ સ્ત્રી વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. તમે એમને ડિફેન્ડ કરશો? 

જરા પણ નહીં. પરંતુ, એ જ મનુએ એક વાત એ પણ કરી છે કે ભગવાન પણ એ દેશને છોડી દે છે જ્યાં સ્ત્રીની ઈજ્જત થતી નથી. ગીતાના ૧૮મા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે મેં તને સુંદર જ્ઞાન આપ્યું પણ હવે તું તારું દિમાગ લડાવ અને તું એ કર જે તને યોગ્ય લાગે. આપણને ભગવાન એ જ કહે છે કે દિમાગનો ઉપયોગ કરો. સ્ત્રીની ઈજ્જત કરો. જ્ઞાન ગમે તેટલું હોય પણ એનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો એ મહત્વનું છે. 

તમે ક્યારેય વિચાર્યું હતું કે આવી જબરજસ્ત સફળતા મળશે?

સફળતાની વાત જવા દો, મને તો થયું કે કિતાબ કોઈ છપાશે જ નહીં. દરેક પબ્લિશરે મારી સ્ટોરી ધાર્મિક પુસ્તક સમજીને રિજેક્ટ કરી હતી. યુવાનોને આવાં પુસ્તકમાં રસ પડે નહીં, મેનેજમેન્ટ કે સ્ત્રી-પુરુષની પ્રેમકહાની લખો એમ તેઓ કહેતા. મેં કહ્યું કે ભાઈ, મારી પાસે આ જ છે, લેવું હોય તો લો. છેવટે કોઈ પ્રકાશક તૈયાર ન થતાં પહેલું પુસ્તક તો મેં અને મારા પાર્ટનરે પાોતે જ છાપ્યું. નકલો ચપોચપ વેચાતાં પ્રકાશકો પછી સામેથી આવવા માંડ્યા. લખતી વખતે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પુસ્તકને આટલી જબરજસ્ત સફળતા મળશે. તમે સફળતાને ધ્યાનમાં રાખીને પુસ્તક લખો તો એ કરપ્ટ થઈ જાય. અલબત્ત, લોકો સુધી એ પહોંચે એ માટે માર્કેટિંગ જરૂરી છે. મારાં આ પુસ્તકોનાં અનેક ભાષામાં અનુવાદ થયાં છે (આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ વર્ષા પાઠકે કર્યો છે). 

‘ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ પરથી ફિલ્મ બનવાની છે એ વિશે કહો.

કરણ જોહરે એના રાઈટ્સ લીધા છે. આં.રા. સ્તરે પણ વાત ચાલી રહી છે. લંડનના એક પબ્લિશરે ઈન્ટરનેશનલ રાઈટ્સ લઈને આ બન્ને પુસ્તકો હમણાં લંડનમાં પણ છાપ્યાં. ફિલ્મ વિશે કરણ અનાઉન્સ કરે એ જ યોગ્ય ગણાશે. 

ઈશ્ર્વરના પુનરાવતારમાં માનો છો? 

હા. માનું છું. અલબત્ત, મારી દૃષ્ટિએ દરેક ઈન્સાન ભગવાનનો અવતાર છે. જે ઈન્સાન ઈશ્ર્વરનું પદ પામે એનો અર્થ એ તેણે પોતાનામાના ભગવાનને જગાડી દીધા છે. દરેક મનુષ્ય ભગવાન છે. મંદિર ન જાઓ એવું હું નથી કહેતો. પણ મંદિરમાં જઈને દિમાગ ઓફિસના કાવા-દાવા કે ગર્લફ્રેન્ડમાં હોય તો શું કામનું? જો દિમાગમાં ભગવાન હોય તો તમે જ્યાં ઊભા છો એ સ્થળ જ મંદિર બની જાય. રિવાજ પણ જેમને કરવા હોય તો કરે. હું દર સોમવારે શિવમંદિરમાં જાઉં. દૂધ ન ચડાવું પણ દૂધનું પેકેટ ખરીદીને ભીખારીને આપું કેમકે મને લાગે છે શિવજીને આ જ ગમશે. પરંતુ જેને શિવલિંગ પર દૂધ ચડાવવું હોય તો એની સામે મારો કોઈ વિરોધ નથી. હું પોતે શિવરાત્રી મનાવું, ગાઉં, નાચું. 

મનગમતાં પુસ્તકો કયાં?

હું ખૂબ વાંચું છું એટલે આ વર્ષની ફેવરીટ બુક કઈ એ કહીશ. ‘એન્ડ ઓફ ફેઈથ’ મને ઘણી સ્પર્શી ગઈ. એમાં નાસ્તિકની વાત છે પણ બહુ લોજીકલ છે. ઈશ્ર્વર વિરોધી નથી. કશુંક નવું જાણવા માટે પણ એ વાંચવી જોઈએ. બીજું પુસ્તક ‘ઈન્ડિયા : એ સેક્રેડ જીઓગ્રાફી’ પણ મારું પ્રિય પુસ્તક છે. અમેરિકન લેખિકા ડાયેનાએ ઈન્ડિયા વિશે પ્રેમથી લખ્યું છે. આપણી ફિલોસોફી ભારતીય કરતાં વધુ સારી રીતે એ સમજી છે.

તમારા પુસ્તકમાં જેમની વાત છે એ સૂર્યવંશી અને ચંદ્રવંશીના ભેદ આજના યુગમાં તમે પાડી શકો?

કોઈ એક્ઝેકટલી સૂર્યવંશી કે ચંદ્રવંશી ન હોઈ શકે. આમ છતાં, ચાઈનીઝ પ્રજા મહદ્ંશે સૂર્યવંશી છે જ્યારે ભારતીયો ચંદ્રવંશી. ભારત એ ફેમિનાઈન ક્ધટ્રી છે. આ શબ્દને સ્ત્રી સાથે સંબંધ નથી. ફેમિનીન એટલે સ્ત્રીઓમાં જોવા મળતી ક્વોલિટીઝ ધરાવતો દેશ, જેમાં પેશન, પ્રેમ, ફ્રીડમ જેવા ગુણો વધુ હોય. ક્યારે આક્રમકતા પણ જોવા મળે. એટલે જ આપણે માતૃભૂમિ બોલીએ છીએ. મેસ્ક્યુલાઈન ક્ધટ્રી એટલે જ્યાં કમ્પ્લાયન્સ, ન્યાયપ્રિયતા અને પ્રતિષ્ઠા વધુ પ્રવર્તમાન હોય. ભારતીયો આઝાદીપ્રિય છે અને સ્વતંત્રતા માટે બંડખોર બની શકે. પાશ્ર્ચાત્ય દેશો હવે વધુ ને વધુ ચંદ્રવંશી બની રહ્યા છે કારણ કે તેઓ પણ ફ્રીડમ લવર છે. રામનું કલ્ચર મેસ્ક્યુલીન છે જ્યારે કૃષ્ણનું ફેમિનાઈન. રામભક્તોમાં કમ્પ્લાયન્સ-કહ્યાગરાપણું, આદર્શ જોવા મળે જ્યારે કૃષ્ણભક્તોમાં પ્રેમ-ઉમંગ-ઉત્સવ અને આનંદ પ્રગટે. આ બન્ને પ્રજાની જુદી જ દુનિયા છે. 

તમારા જ પુસ્તકનો કયો સીન સૌથી વધુ ગમ્યો છે? 

પહેલામાં હર હર મહાદેવ. બીજા પુસ્તકમાં ગણેશ પોતાની માને મળે છે એ. 

પુસ્તક લખતી વખતે કોઈ ગૂઢ અનુભવ કે યુફોરિક ફીલિંગ? 

ઈશ્ર્વર સાથે અનુસંધાન-સમસંવેદન અનુભવ્યું છે. પાત્રો સાથે જીવ્યો છું. એ રડે તો હું રડું અને એ ખુશ હોય તો હું પણ આનંદમાં હોઉં. બાકી, પ્રકાશનું તેજકિરણ દેખાયું કે આકાશમાં કોઈ આકાર દેખાયો એવું બધું કંઈ નહીં. 

શિવજીની કઈ ક્વોલિટી ગમે?

કઈ ના ગમે એમ પૂછો. ડેમોક્રેટિક ગોડ છે, દરેકને આશીર્વાદ આપી દે. પત્નીને પૂરા આદરથી ટ્રીટ કરે. પત્નીને ખૂબ પ્રેમ કરે ને એની જ સાથે રહે. એ નાચે છે, યોધ્ધા છે, બુદ્ધિશાળી અને આદિ ગુરુ છે. આવતી શિવરાત્રિએ શિવજી દરેક પર કૃપા વરસાવે એવી હું મુંબઈ સમાચારના વાચકોને શુભેચ્છા પાઠવું છું.

No comments:

Post a Comment