Tuesday, January 13, 2015

બ્યુટી ટ્રીટમેન્ટ જીવલેણ બની શકે --- સાવધાન - શિલ્પા શાહ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=146911



દેશમાં ચોક્કસ કમ્યુનિટીઓમાં લગ્નપ્રસંગ કે પાર્ટી કે ઉત્સવમાં મહાલવાનો મોકો એટલે પોતાની પાસે હોય કે ન હોય એટલું સૌંદર્ય પ્રગટ કરી ખુશ થવાનું વલણ સ્ત્રીવર્ગમાં હોય છે, જોકે હવે તો પુરુષો પણ બ્યુટી ટ્રિટમેન્ટ લેવામાં પાછળ નથી. ખેર કેટલીક બ્યુટી ટ્રિટમેન્ટ મહિલાઓ માટે આગવી હોય છે, પરંતુ સૌંદર્ય નિખારવા માટે જતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો એમ સૌંદર્ય-પ્રસાધનોના ઉત્પાદનોના વેચાણનો ધંધો વધ્યો તેવી જ રીતે ફાજલ સમય મેળવતી અનેક ગૃહિણી અને નાણાકીય મુશ્કેલીને હળવી કરવા ઈચ્છતી મહિલાઓને ઘર બેઠાં બ્યુટી પાર્લર ચલાવવાનું કામ મળ્યું એ ખરું, પણ સાથે બ્યુટી પાર્લર વિશે પાઠ ભણાવનારા પણ પ્રગટ થઈ ગયા હતા.

મોટા નામાંકીત બ્યુટી પાર્લરો તો દેશમાં અનેક છે, પણ મને આવડે છે એટલે હું તમને થોડું શીખવું અને તમે ફટાફટ શીખો અને ટ્રિટમેન્ટ કરવા માંડો, આવા ઘરઘરાઉ બ્યુટી પાર્લરો તો ‘ગણ્યા ગણાય નહીં’ એટલાં હશે. આપણા દેશમાં ઘરની અંદરથી ધંધો કરવા માટે લાઈસન્સની જરૂર છે કે નહીં એ જાણવાની તસદી લેવાતી નથી. બ્યુટી સૅલૉમાં વપરાતાં ઉત્પાદનો વિશે મહિલાઓ જાણકારી માગે છે? કેટલી મહિલાઓ જાણે છે કે પોતાને કયા કેમિકલની એલર્જી છે? સૌંદર્ય નિખારતા ઉપકરણોની સ્વચ્છતા માટે કે સ્ટરીલાઈઝેશન માટે કોઈ માર્ગદર્શિકા છે કે નહીં, એ વિશે મહિલાઓ કેટલી સાવધ હોઈ શકે.?

ક્યારેક સુંદર દેખાવાનો વધુ પડતો ઉત્સાહ અને એમાંથી જન્મતી બેદરકારી તો ક્યારેક આવું કશું નહીં જાણવાની ભૂલ મહિલાને મુશ્કેલીમાં મૂકી દે છે. એવા અનેક દાખલા બન્યા છે કે બહેન બ્યુટી ટ્રિટમેન્ટ લે પછી મેડિકલ ટ્રિટમેન્ટ લેવી પડી હોય. વર્ષો પહેલા પશ્ર્ચિમનાં પરાં બોરીવલીમાં એક પરિચિત બહેન ખુશીના કોઈ પ્રસંગે ગુજરાત જવાના હતાં, તેના બે દિવસ પહેલા સૌંદર્ય નિખારવા પાર્લરમાં ગયાં. થ્રેડિંગ અને ફેશિયલ જેવી ટ્રિટમેન્ટ કરાવી. મોડી રાત સુધીમાં તેમનો ચહેરો ફૂલીને તગારાં જેવો થઈ ગયો અને આંખો સુઝીને કોડિયા જેવી બની ગઈ. પતિ ગભરાઈ ગયા એટલે મોડી રાતના નજીક રહેતા પરિચિતને ફોન કરી બોલાવવા પડ્યા અને રાતોરાત મેડિકલ મદદ લેવી પડી. ખુશાલીના પ્રસંગમાં જવાનું રદ કરવું પડ્યું અને ખર્ચના ખાડામાં ઊતરી પડાયું હતું.

આવી જ એક ઘટનામાં એક તરુણીને આંખ ગુમાવવી પડી હતી તો અન્ય એક કિસ્સામાં એક બહેનને લાંબો સમય તબીબી સારવાર લેવી પડી હતી, ત્યાર બાદ પણ બહેનને છાશવારે ત્વચા રોગ માટે તબીબી સારવાર લેવી પડતી હતી. ક્યારેક ભૂલ અને ભાવિ ભૂલાવે તો ભવ રૂઠે એટલે કે જીવથી હાથ ધોવા પડે. ભારતમાં દરેક સૌંદર્ય પાર્લર જોખમી બને એવું ન જ કહેવાય. આવું અહીં, ભારતમાં જ બને છે એવું નથી, વિદેશોમાં પણ બ્યુટી પાર્લર કે બ્યુટી સૅલૉમાંથી એઈડ્સનો ચેપ લાગ્યાનો કિસ્સો બન્યાની વાત અહીં કરી આપણી મહિલાઓ સાવધ બને, સાવધ રહે અને સેફ રહે એવું જણાવવું છે.

વિદેશોમાં હાથનાં આંગળાં, કાંડાં સુધીનો હિસ્સો, નખ વગેરેની સૌંદર્ય સારવાર-ઉપચારનાં એટલે કે મેનિક્યુઅર અને પગ તથા પગનાં આંગળાં, નખ એડી વગેરેની સારવાર એટલે પેડિક્યુઅર માટે ખાસ સૅલૉ હોય છે. (આપણે એને સલૂન કહીએ છીએ!!) નેલ સૅલૉમાં કેટલીય વાર નેલ પૉલિશથી પસ્તાવાનો વારો આવ્યો હોય અને નખ બટકી ગયાની તકલીફ પણ ભોગવવી પડી હોય, સૌંદર્યમાં ગોબો પડવાની સ્થિતિ મહિલાઓ માટે મરી જવા જેવી સ્થિતિ છે. જોકે, બ્રાઝિલમાં એક ૨૨ વર્ષની યુવતીને માટે મેનિક્યુઅરની ટ્રિટમેન્ટ જીવલેણ નીવડી હતી. નેલ ટ્રિટમેન્ટે એને એચઆઈવી આપ્યો હતો.

‘એઈડ્સ રિસર્ચ ઍન્ડ હ્યુમન રિટ્રોવાયરસિસ’માં આ યુવતીનો ક્ેસ તાજેતરમાં વિગતવાર પ્રકાશિત થયો છે. વળી થોડા સમય અગાઉ કરાયેલી તેની તપાસમાં તેને એડવાન્સ્ડ એચઆઈવી હોવાનું તબીબી નિદાન કરાયું હતું, પણ તેને ચેપ કેવી રીતે લાગ્યો તેનું કારણ ખોળવામાં તબીબો નિષ્ફળ રહ્યા હતા. યુવતીએ કોઈ દિવસ જાતીય સંબંધ બાંધ્યો નથી, ક્યારેય બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવ્યું નથી કે નથી છૂંદણું છુંદાવ્યું કે નથી કાન કે નાક વિંધાવ્યું.

આમ હોવા છતાં યુવતીને ચેપ કેવી રીતે લાગ્યો એ નક્કી કરવા વિશે ડૉક્ટરો ગજબનાં ગૂંચવાઈ ગયા છે. તેણે નેલ સૅલૉમાં ટ્રિટમેન્ટ લીધાનો દાવોે કર્યા બાદ તબીબો યુવતીને ચેપ લાગવાની ઘટના શોધવા માટે મામલામાં ઊંડા ઊતર્યા હતા. પેશન્ટને અચાનક યાદ આવ્યું કે તેણે ૧૦ વર્ષ અગાઉ તેની પિતરાઈ સાથે મેનિક્યુઅર ઈન્સ્ટ્રુમેન્ટ-સાધન-ઉપકરણ ભાગીદારીમાં વાપર્યું હતું. તેની પિતરાઈ મેનિક્યુઅરિસ્ટ હતી, જેને એચઆઈવી થયાનું નિદાન ઘણાં વર્ષો બાદ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોને આ કિસ્સામાંથી યુવતીને ચેપ લાગવાની સંભાવના લાગી રહી છે. છેવટે ઊંડાણપૂર્વકની ચકાસણીને આધારે બેઉ મહિલાનાં લક્ષણો, વાઈરસની જાત-પ્રકાર-ઉછેરમાં સરખાપણું હોઈને ડૉક્ટરે મેનિક્યુઅરનું સાધન ચેપ લાગવામાં કારણભૂત હોવાના તારણ પર આવ્યા હોવા છતાં તેઓ સ્યોર નહોતા. આ કિસ્સો તાજેતરમાં બનેલો છો.

હવે વાત આવી છે અમેરિકાની. સૌંદર્ય-ઉદ્યોગના પ્રકાશન ‘નેલ્સ મેગેઝિન‘ જણાવ્યા અનુસાર, યુએસમાં ૪૮,૦૦૦થી વધારે નેલ સૅલૉ છે. સામયિકના જણાવ્યા પ્રમાણે સમસ્યા એવી છે કે આ દરેક સૅલૉના બૅકરૂમમાં શું થાય છે એની આપણને કશી જ ખબર પડે એવી સંભાવના નથી. ચકાસણી કરતા નિયમોનો ભંગ થવાનું પકડી શકાય છે, પણ વ્યહારિક રીતે એકલા ન્યૂ યોર્કમાં આવેલા અસંખ્ય સૅલૉ સહિત દરેક સૅલૉની વારંવાર ચકાસણી કરવી શક્ય નથી, એમ એક અહેવાલમાં જણાવાયું હતું. ચાર વર્ષના સમયગાળામાં લગભગ ૧૯ ટકા સૅલૉ દ્વારા સેનિટેરીના નિયમોનું ઉલ્લંઘન કરાયાનો ઉલ્લેખ થયો હતો. વધારામાં આ સૅલૉ હેલ્થ ડિપાર્ટમેન્ટના નહીં પણ કોસ્મેટોલોજી ડિપાર્ટમેન્ટને હસ્તક આવે છે, તેથી ચકાસણી બાબત તેમનામાં જોઈતી કડકાઈ કે કઠોરતા નથી, એમ ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલના પ્રૉફેસર ડૉ. ડેવિડ એ. જ્હોનસને કહ્યું હતું. રાષ્ટ્રમાં આ સમસ્યા બહુ મોટી હશે, એમ પણ કહેવાયું છે. સૌંદર્યશાસ્ત્રના નિષ્ણાત અને ‘ડેથ બાય પેડિક્યુઅર: ધ ડર્ટી સિક્રેટ્સ ઑફ નેલ સૅલૉઝ’ના લેખક ડૉક્ટર રોબર્ટ સ્પેલ્ડિંગ અંદાજ મૂકતા કહે છે કે યુએસના ૭૫ ટકા નેલ સૅલૉ રાષ્ટ્રે આપેલી સાધન-ઉપકરણોનાં ડિસિન્ફેક્શન માટેની માર્ગદર્શિકાને અનુસરતા નથી.

આ સ્થિતિ જો અમેરિકા જેવા વિકસિત અને હાઈજિનની બાબતે ચીકણા અમેરિકનોના દેશમાં હોય તો... આગળ કયા રાષ્ટ્રનો વિચાર કરવાનો? મુંબઈમાં તેમ જ અન્ય મહાનગરોમાં આવેલાં બ્યુટી પાર્લરોના લોકેશન વિશે ધ્યાન આપશો તો અને પાર્લરોમાં જનારી સંખ્યા જોશો તો ખરેખર તમે ધ્રુજી ઉઠશો.

No comments:

Post a Comment