Tuesday, January 13, 2015

ગુજુ: વિશેષતા અને વિરોધીતા --- બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી 10-01-2015

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=151457

ગુજરાતી પ્રજાની લાક્ષણિકતાઓ આપવા માટે થરમોમિટરો મળતા નથી. પણ દિવાળી સમયે ગુજરાતી પ્રજાનાં સર્વાધિક વેચાતાં વર્તમાનપત્રોની જાહેરખબરો કે વિજ્ઞાપનો જોવાની મજા આવે છે. લોકો શું માંગે છે, શું ખરીદે છે, શું રુચિ છે, શું પ્રકૃતિ છે? જાહેરખબરો આજના જમાનામાં પ્રજાના મિજાજ અને કમજોરીનો અંદાજ આપે છે. અને લોકો કઈ વસ્તુઓ ખરીદતા નથી એ પણ બતાવે છે! 

મરાઠી પત્રોમાં દિવાળી અંકો કે પુસ્તકોની જાહેરખબર હોય, જ્યારે ગુજરાતી પત્રમાં પુસ્તક વિશે જાહેરખબર ન હોય-જો હોય તો કોઈ ધર્મપુસ્તક વિશે હોય, ભજનના પુસ્તક વિશે હોય! અથવા ભજનોની, ગરબાઓની, ગીતોની, ર્કીીનોની કેસેટો વિશે હોય! દસ રૂપિયાનું પુસ્તક ન વેચાય પણ પાંત્રીસ રૂપિયાની કેસેટ તરત વેચાઈ જાય... એ સ્વાભાવિક છે. ગુજરાતી પ્રજાની આ ‘વિશેષતા’ હવે તો મશહૂર થઈ ગઈ છે. કવિતાનો પાંચ રૂપિયાનો સંગ્રહ ન વેચાય પણ કવિસંમેલનની વીસ રૂપિયાની ટિકિટ વેચાઈ જાય! અથવા દસ રૂપિયાનું નાટકનું પુસ્તક હોલની બહાર કોઈ ખરીદે નહીં પણ ત્રીસ રૂપિયા ખર્ચીને નાટક શોખથી જોઈ નાખે-અને બીજી એક વાત: ગુજરાતીમાં નાટકનું પુસ્તક છપાવવાનો બહુ રિવાજ નથી. કારણો ઘણાં છે!

દશેરા-દિવાળી સમયે લોકપ્રિય સમાચારપત્રો જાહેરખબરોથી છલકાઈ જાય છે. મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ દરેક સ્થળનાં વર્તમાનપત્રો ત્યાંના ગુજરાતી જનજીવન પર પ્રકાશ ફેંકે છે. મુંબઈના ગુજરાતીઓ તહેવારના દિવસો આવે ત્યારે શું ખરીદી શકે છે? આટાની ઘંટી કે ઘરઘંટી છે. ખારી બદામ અને ખારાં પિસ્તાં મળે છે. ઓટોમિક મશીનોથી આંતરરાષ્ટ્રીય ધોરણે ખારાં કાજુ, ખારાં પિસ્તા અને ખારી બદામો બનતી હશે એ જ્ઞાન ન હતું, વિજ્ઞાપન વાંચ્યું ત્યારે ખબર પડી. જરાક પાનાં ફેરવો ત્યારે બીજું પ્રલોભન ઊભું જ છે: અથવા ઘીમાં બનાવેલી જલેબી અને ડબલ મરીના ગાંઠિયા ઉડાવો...!

સાડીઓ છે. પાર્ટી ફ્રોક છે. કુર્તા અને ચુડીદાર છે, જેનાં એક્ઝિબિશન સેલ છે. હીરાનાં આભૂષણો, ચાંદી, સોનાના દાગીના, અસલ મોતીઓનાં ભવ્ય સેલ છે. સાથે સાથે ડાયરી અને રોજમેળની જાહેરખબરો પણ છે. સ્ત્રીઓ માટે ઘરઘંટીથી અસલ મોતી સુધીની વસ્તુઓ છે, પરુષો માટે રોજમેળ છે! અને જરા આગળ વધીએ તો જગ્યા, ઘર, ફ્લેટ, જમીન, શેડ મળે છે. પૂનામાં જમીન જોઈએ છે? ભાવનગરમાં બંગલો, વડોદરામાં ફ્લેટ, અમદાવાદમાં રો-હાઉસ? 

આ સિવાય ઘોર તપશ્ર્ચર્યા અને સફળ ઉપવાસોની જાહેરખબરો છે. ઓસ્ટ્રોલોજર, પામીસ્ટ અને જ્યોતિષીઓ છે-તમારા ભવિષ્યની વ્યવસ્થિત ચિંતા કરનારાઓ છે, અમેરિકાથી ગ્રીનકાર્ડ હાથમાં પકડીને ઊતરેલા મુરતિયા પણ છે...

તહેવારોના દિવસોમાં બોલો, બીજું કંઈ જોઈએ? 

ગુજરાતી પ્રજાની વિશેષતાઓની સાથે વિરોધિતાઓ પણ આકર્ષક છે, અને ખાસ કરીને મુંબઈના ગુજરાતીઓને સ્પર્શે છે. ગુજરાત બહાર જ માણસને ગુજરાતીનું લેબલ લાગતું હોય છે, ગુજરાતમાં તો એ ઝાલાવાડી વિશા સ્થાનકવાસી જૈન હોય છે. સિદ્ધપુર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ હોય છે, દશા મોઢ માંડલીઆ વણિક હોય છે. કાઠિવાડ મનસુરી જમાત હોય છે. ઘોઘારી લોહાણા કે પરજિયા સોની હોય છે! મુંબઈમાં એ ગુજ્જુ બની જાય છે...

બોમ્બે-ગુજુ ગુજરાતી પ્રજાની લેટેસ્ટ જાતિ છે. જોકે એની ઘણી લાક્ષણિકતાઓ બધા જ ગુજરાતીઓમાં જોવા મળે છે.

ગુજરાતી શાકાહારી કે માંસાહારી? જો એ માંસાહારી છે તો બોનલેસ માંસાહારી છે. શાકાહારીમાં પણ બે પ્રકાર છે: જમીનની ઉપર જ ઊગતી વસ્તુઓ ખાનારા, અને ઉપર ઊગતી શાકભાજી તથા અંદર ઊગતાં કંદમૂળ બંનેનું ભક્ષણ કરનારા! ગરીબો સામાન્ય રીતે માંસાહારી હોય છે. જે ગરીબો દરિયાકિનારે રહે છે અને આઠ રૂપિયે કિલોનું શાક ખરીદી શકતા નથી. ગરીબોને માત્ર શાકાહાર પોષાય પણ નહીં. અને હા, ગુજરાતીઓ આમલેટ પણ ખાતા થયા છે આજકાલ...

ગુજરાતીઓ સ્વભાવે મૃદુ ગણાય છે પણ ખાવામાં ત્રણ જાતનાં મરચાં વાપરે છે-લાલ, લીલું અને કાળું! હવે નવધનિકો અને નવબુદ્ધિમાનોમાં બુફેની ફેશન વધી છે. બુફેમાં ટેબલ પર વસ્તુ સજાવી હોય, દરેક પ્લેટ લઈને ટેબલ પાસે જવાનું, જેટલું જોઈએ અને જે જોઈએ એ જ અને એટલું જ લેવાનું કે જેથી વ્યય ન થાય! અને બુફેમાં સામાન્યત: રસાદાર વસ્તુઓ ફાવતી નથી કારણ કે પ્લેટ એક જ હોય છે. 

પણ ગુજ્જુ-બુફેમાં દૃશ્ય બદલાયું છે. રસાદાર શાક ગરમ થતાં હોય છે, ચમચાથી પ્લેટમાં લેવાનાં. એક જ ડિનરમાં પિત્ઝા પણ હોય, ઢોકળાં પણ હોય, ચાઉ-ચાઉ (અલબત્ત, વેજીટેરિયન) પણ હોય અને રસગુલ્લાં પણ હોય. પકોડી, પુલાવ, પાપડ, પ્લમ પુડિંગ, પાન પણ હોય-અને ગૃહિણીનો ખુલ્લંખુલ્લાં આગ્રહ પણ હોય! છેલ્લે એક રસગુલ્લું તમારા મોઢામાં મૂકવા માટે જ યજમાન હાજર થઈ જાય... હાહા...હીહી-ચારે બાજુ આનંદ આનંદ થઈ જાય-યજમાન તમારા મોઢામાં રસગુલ્લું દબાવી દે છે! તમારી બોલતી બંધ-

ગુજુ-બુફે, બોમ્બે સ્ટાઈલ, જોઉં છું ત્યારે મને લાગે છે કે આ એક આદર્શ જૈનનું ભોજન છે! જૈન સાધુઓ વહોરે છે એ બધુ એકસાથે મેળવીને ખાઈ લે છે. જીભની, સ્વાદની કોઈ માયા નહીં, ફક્ત દેહના પોષણ માટે જ ભોજન! મુંબઈનાં ગુજુ-બુફેમાં પણ પ્લેટમાં બધું જ ભેળસેળ થઈ જાય છે અને એક એવી ક્ષણ આવે છે જ્યારે દરેક ભોજનિક સ્વાદની બાબતમાં જૈન સાધુની ઊંચાઈએ પહોંચી જાય છે-એ એકમાં અનેક અને અનેકમાં એકની સ્થિતિ છે. 

ગુજરાતીઓની ગુજુ-ગ્રંથિ અથવા લઘુ-ગં્રથિ વિશે કોઈએ અભ્યાસ કર્યો છે? આ ગ્રંથિની પાછળ એક વિચિત્ર વિરોધિતા જોવા મળે છે. આજકાલ લાયન્સ, જાયન્ટ્સ, જેસીઝ જેવી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. એમાં વારંવાર પ્રવચનો કરવા જવાનું થયું છે. જરા રમૂજી લાગે એવાં દૃશ્યો જોવા મળ્યાં છે. મોટી ઉંમરના બોયસ્કા ઉટોની જેમ માણસો ઊભા રહે છે, શપથ લે છે. અત્યંત ઔપચારિક રીતે ટાઈટ થઈને માણસો માઈકની સામે વિધિઓ કરતા હોય છે. મુંબઈમાં ઘણીવાર આ સમારોહમાં ૯૦થી ૯૮ ટકા ગુજરાતી સ્ત્રી-પુરુષો હોય છે-અને એ સ્ત્રી-પુરુષો અત્યંત દર્દનાક ઉચ્ચારણાવાળું અને જેમાં વ્યાકરણનું કચુમ્બર થઈ ગયું છે એવું, અંગ્રેજી (સુરેશ દલાલની ભાષામાં ‘ગુજરેજી’) બોલે છે. જો ત્રણ રાત સતત આવું અંગ્રેજી સાંભળતા રહીએ તો આપણું અંગ્રેજી ધરાશાયી થઈ જાય! અંગ્રેજી-ખોટું અંગ્રેજી શા માટે લગભગ એકસો ટકા ગુજરાતી શ્રોતાઓ પર ફેંકવું? આ હું હજી સમજ્યો નથી. મેં ઘણીવાર લાયન્સના સિંહોને સમજાવ્યું છે કે કેરાલામાં જૂનામાં જૂના સીરીયન ક્રિશ્ર્ચીયન ચર્ચે પણ ક્યારનું નક્કી કર્યું છે કે ચર્ચમાં ‘માસ’ લેટિનમાં નહીં પણ સ્થાનિક મળયાળમ ભાષામાં કરવો! જો ખ્રિસ્તી ધર્મની રૂઢિચુસ્ત દુનિયામાં પણ લેટિન કાઢીને મળયાળમ લાવી શકાય-કારણ કે ભક્તોની ભાષા મળયાળમ છે-તો પછી સેવાબાજ લાયન્સની મીટિંગોમાં ગુજરાતી ભાષા શા માટે નહીં? ત્યાં પણ ૯૦થી ૯૮ ટકા સભ્યો ગુજરાતી હોય છે!

(ક્રમશ)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=152086


ગુજરાતીઓ અંગ્રેજીના આશિક છે-આઈ મીન, અંગ્રેજી ભાષા વાપરવાના. ત્રણ બંગાળી કે મરાઠી કે તામિલ શિક્ષિતો મળે તો એમની માતૃભાષા બંગાળી કે મરાઠી કે તામિલમાં જ વાતો કરવાના, પણ બે અશિક્ષિત બોમ્બે-ગુજુ મળે તો ભરપૂર-અંગ્રેજી શબ્દો છાંટેલું ગુજરાતી બોલવાના! અને જો શિક્ષિત બે ગુજુ મળી ગયા તો એ અચુક અંગ્રેજીમાં ફટકારવાના. સાથે સાથે પ્રસ્તાવના પણ કરી દેવાના: અમે તો કોન્વેન્ટ કે ઈંગ્લિશ મિડીયમમાં ભણ્યા છીએ. અમે ગુજરાતી જાણતા નથી.

સરસ પણ કેટલીક વિશેષતાઓ કે વિષમતાઓ ધ્યાન ખેંચે છે. ઉર્દૂ શબ્દો વાપરવાનો બહુ શોખ છે. ‘જ’ને સ્થાને વજન મૂકવા વારંવાર ‘ઝ’ શા માટે બોલાય છે? બંગાળીનું કંઈક પણ હોય તો શીર્ષસ્થ! ‘અતુલ પ્રસાદેર ગાન’ પણ સાંભળે, રવીન્દ્ર સંગીત પણ ગાય, ‘ઘરે બાહિરે’ પણ ભણે. આજે બંગાળમાં પણ ટાગોર ઓછા થઈ રહ્યા છે પણ ગુજરાતમાં ગરમ છે ટાગોરનો બજાર! આના સંદર્ભમાં એક કિસ્સો યાદ આવે છે. નાદિર શાહ ૧૭૩૭માં દિલ્હી પર આવ્યો, કતલ કરી, લૂંટફાટ કરી, છએક માસ રહ્યો અને ચાલ્યો ગયો. પછી ઈરાનમાં એનું ખૂન થયું, એના તખ્ત પર બેઠેલા નવા રાજાનું પણ ખૂન થયું અને ત્રીજો વંશ સત્તારૂઢ થયો... પણ ૯૦૦ માઈલ દૂરના બંગાળના મુર્શિદાબાદની ટંકશાળામાં નાદિરા આક્રમણ પછી પ૦ વર્ષે પણ હજી નાદિરશાહના સિક્કા છપાતા હતા! અને નાદિર તો મુર્શિદાબાદ આવ્યો પણ ન હતો. પ૦ વર્ષ પહેલાં ૯૦૦ માઈલ દૂર દિલ્હી આવીને ફક્ત છ મહિના જ રહી ગયો હતો! આનું નામ ભય કે લઘુતાગ્રંથિ કે ગુલામી કે નંપુસતા?

ગુજરાતીને મારાઠી માટે માન હોય, ઉર્દૂ માટે માન હોય, હિન્દી માટે માન હોય, બંગાળી માટે માન હોય, અંગ્રેજી માટે હોય! સાહિત્યમાં આ વન-વે ટ્રાફિક ધમધમાટ દોડી રહ્યો છે-બીજી ભાષાના અનુવાદોથી ગુજરાતી સાહિત્ય ઊભરાઈ જાય, પણ ગુજરાતી પુસ્તક બીજી ભાષામાં જાય નહીં! ટેલિવિઝનના રાષ્ટ્રીય પ્રસારણમાં ગુજરાતી નૃત્ય આવે તો એમાં પણ ભરતનાટ્યમની મુદ્રાઓ અને નૃત્યો હોય અને દક્ષિણ ભારતીય વેશભૂષા હોય! ગરબામાં ડ્રેસ બદલાયા છે પણ લય અને તર્જ પેઢી-દર-પેઢી એ જ રહ્યાં છે! એમાં કલામય નવીનતા આવી નથી. પૈસા ખર્ચીને લાવી શકાય એટલી નવીનતા આપણે લાવ્યા છીએ. અને બીજી એક ઘટિયા વર્ણસંકર વસ્તુ લઈ આવ્યા છીએ જે કદાચ ગુજરાતી પ્રજા જ લાવી શકે-ડીસ્કો ડાંડિયા! 

ગુજરાતી નાટકના દ્વિઅર્થી સંવાદો વયસ્કોને લોલીપોપ ચૂસવાનો આનંદ આપે એ કક્ષાના હોય છે. ગુજરાતી દર્શકો આટલા જલદી ખુશ થઈ જાય છે? ખુશ થવા માટે, ઉત્તેજિત થવા માટે ગુજરાતી દર્શક કેટલું ઓછું માંગે છે? ગુજરાતી જીવન રંગહીન, રોમાંસહીન, પરાક્રમહીન છે એટલે સેક્સ, રેઈપ, રખાત જેવા વિષયો નાટ્યગૃહોને હાઉસ-ફુલ કરી શકે છે અને ડાકુઓની નવલકથાઓને બેસ્ટ સેલર લિસ્ટમાં મૂકી શકે છે. અને બહારવટિયાઓ અને વીર ખાંભીવાળાઓની ફિલ્મો વીસ વર્ષથી લગાતાર જોયા કરે છે. 

લગભગ બધા જ ગોડ-મેન કે ભગવાનદાસોના અનુયાયીઓમાં ગુજરાતીઓનું પ્રમાણ ઘણું જ વધારે છે. રજનીશ, ચિણ્મયાનંદ, પાંડુરંગ શાસ્ત્રી, ડોંગરે મહારાજ, મુરારી બાપુ બધાને બહુ મોટી સંખ્યામાં ગુજરાતી ભક્તો છે. ગુજરાતીઓ ધર્મની બાબતમાં કદાચ એક વિચિત્ર દ્વૈતમાં માનતા લાગે છે. સોળ લાખનો ફ્લેટ ખરીદીને રહેનાર માણસ માઈક સામે ઊભો રહીને જાહેરમાં કલાકભર ‘અપરિગ્રહ’ વિશે પ્રવચન આપે છે. ત્યાગ અને તપશ્ર્ચર્યા કરનારાઓના ફોટા છપાય છે. મહાત્મા સાધુઓના નામની આગળ આઠ વિશેષણો વપરાય છે. અપાસરામાં સપનાં વેચાય છે. મંદિરમાં આંગી રચાય છે. અને ગરીબ ગુજરાતી દૂરથી જ પૂજા કરી શકે છે અને ધર્મ-લાભ મેળવી શકે છે. શા માટે? જૈન મંદિરનો રક્ષક કે સંત્રી સામાન્ય રીતે અ-જૈન હોય છે? મસ્જિદ કે ગુરુદ્વારા કે ચર્ચમાં હંમેશાં એ જ ધર્મનો અનુયાયી સંત્રી કે રક્ષક હોય છે.

ગુજરાતીઓ મુંબઈના હોય કે મેંચેસ્ટરના હોય, સાવરકુંડલાના હોય કે શિકાગોના હોય, પણ કેટલીક વિશેષતાઓ સ્પષ્ટ રૂપે ઊભરી આવે છે. એ ટાંગ-ખેંચના ચેમ્પિયન છે. દક્ષિણ ભારતીય કે બંગાળી કે મહારાષ્ટ્રીયનની જેમ ગુજરાતી પોતાની જાતના માણસને ઘુસાડતો નથી, ઊલટું, ઘણી વાર પાછળથી છરો મારવામાં મદદ કરે છે એવો મારો વ્યક્તિગત અનુભવ છે. મિત્રદ્રોહ એને મારવામાં મદદ કરે છે એવો મારો વ્યક્તિગત અનુભવ છે. મિત્રદ્રોહ એને માટે બહુ મોટું પાપ નથી અને મિત્રતા કે દોસ્તી એના ગુણોની સૂચિમાં સૌથી નીચે હોય છે. સામાન્ય રીતે તેજોદ્વેષ એક ચેપી રોગ છે. એને પોતાની ભાષા કે પ્રજા કરતાં પોતાનામાં વધારે રસ છે, એ સ્વાર્થી છે પણ બહાર નીકળે ત્યારે ગુજરાતીની હૂંફ શોધે છે, ગુજરાતી ખોરાક શોધે છે, ગુજરાતી પાડોશ શોધે છે. 

ગુજરાતી સ્વભાવની વિસંગતિ અથવા વિરોધિતા અથવા વિષમતા એ જ કદાચ એક વિશેષતા બની જાય છે. એ કારણે વિકાસ કુંઠિત પણ થયો છે અને વ્યક્તિગત વિકાસ એકકેન્દ્રીય હોય એવું પણ લાગે. નવી ગુજરાતીતાને કારણે હવે કદાચ આપણું લક્ષ આપણી ઊણપો તરફ ગયું હોય એમ પણ બને. પણ હવે એક પ્રજા તરીકે આપણે આપણી 

જાતને કે જાતિને સમજવાની કોશિશ કરીએ એ જરૂરી છે. લોથલના બારામાંથી વહેલી હોડીમાં રોમન સામ્રાજ્ય તરફ વેપાર કરવા ગયેલા પહેલા ગુજરાતીને ચાર હજાર વર્ષ થઈ ગયાં છે... અને આપણે એના ગુજુ વંશજ છીએ...





No comments:

Post a Comment