Monday, October 6, 2014

લંડનની ટ્રેનોમાં પણ મહિલાઓ માટે અલગ ડબ્બા રખાશે? -- ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=142635

‘અરે વાહ! તમારે ત્યાં તો અલગ સ્ત્રીઓનો ડબ્બો ટ્રેનમાં હોય છે!’ બરાબર ત્રીસ વર્ષ અગાઉની આ વાત છે. બે અમેરિકન યહૂદી યુવતીઓ કોઈક કારણસર મારું ઘર શોધતી આવેલી. આ એ જમાનો હતો જ્યારે અમેરિકન મહિલા આંદોલનની કોઈ બહેનો ભારત આવે તો રસ્તા ઉપર કે મંદિરોની બહાર દેવીઓના ફોટા જુએ કે એ પોસ્ટરો ખરીદી લે. ગાંડીઘેલી થઈ જાય કે આપણે ત્યાં એક પ્રણાલીમાં ઈશ્ર્વરને પણ સ્ત્રી તરીકે જોઈ શકાય છે. આ બંને પણ માધવબાગની બહાર ઊભા રહીને કંઈ લઈ આવેલી તેમાં વાઘ કે કૂકડા ઉપર સવારી કરતી કે અસુરને પગ તળે છૂંદતી આઠ હાથવાળી દેવીઓના ફોટા હતા. ખાસ સરસ પોસ્ટર તરીકે એ પોતાની બહેનપણીઓને ભેટ આપવાના હતા. એમનો ફોન આવ્યો ત્યારે એ બંને વી.ટી. પાસે ક્યાંક હતી. સૂચના આપી તે મુજબ ટ્રેન પકડી, વાંદરા સ્ટેશને બદલાવી વેસ્ટર્ન રેલવે પકડી પરામાં મારે ઘરે આવી પહોંચેલી. લેડીઝ કંપાર્ટમેન્ટ જોઈને ગાંડીઘેલી થઈ ગયેલી. આવું ક્યારેય જોયેલું નહીં. ‘ત્યાં કોઈ આંખો ફાડીને તમને ટગરટગર ઝાંખ્યા ન કરે. કોઈ આડાઅવળા હાથ લગાડીને અડપલાં ન કરી જાય.’ બંને ખુશખુશાલ હતી. પૈસા બચાવીને બંને વિશ્ર્વ પ્રવાસે નીકળી પડેલી. થોડુંક યુરોપમાં જઈ પછી ઈઝરાયલ ગયેલી. ઈરાના ચિત્રો દોરતી અને જોની ગીતો લખે. ‘હોલી લેંડ’ - પવિત્ર પુુણ્યભૂમિ નામે એણે ગીત લખેલું કે જ્યાં પણ પુણ્ય કાર્યો થાય તે મારું હોલી લેંડ છે. ઈઝરાયલ યહૂદીઓની પુણ્યભૂમિ ગણાય એટલે એણે આવું ગીત લખેલું. તે વખતે ઈઝરાયલથી સીધા ભારત અવાતું નહીં. આપણા દેશે ઈઝરાયલને માન્યતા તો આપેલી, પણ આપણી સહાનુભૂતિ ત્યાંથી નિરાશ્રિત બનાવેલા પેલેસ્ટિની લોકો સાથે હતી. આરબ દેશો સાથે ઘનિષ્ઠતા હતી. સોવિયેત દેશ અને અમેરિકા વચ્ચે સમતોલન જાળવવાની નીતિ હજી ચાલુ હતી. દક્ષિણ આફ્રિકા ગોરી લઘુમતીના આતંકી શાસન તળે હતું અને આપણા પાસપોર્ટ ઉપર સ્પષ્ટ સૂચના હતી કે એ દક્ષિણ આફ્રિકા માટે માન્ય નથી. આપણા લોકો સગાંને મળવા કે વધુ તો એ દેશ જોડે હીરાનો વેપાર કરવા બેલ્જિયમ કે હોલેન્ડ જઈ કાગળ પર અલગ વિઝા લઈ ત્યાં જતા, પાકિસ્તાન, ચીન કે ઈઝરાયલ માટે પણ લગભગ એવું જ સમજો. ત્યાંથી ઈરાન થઈને અવાતું. ખોમેની આવ્યા પછી તે પણ બંધ થઈ ગયેલું. ઈજિપ્ત કે એકે આરબ દેશમાં થઈને આવવાનો તો સવાલ જ ઊભો થતો નહોતો. બંને બહેનો ગ્રીસ થઈને મુંબઈ આવેલી. 

આ બધા દેશોમાં ક્યાંયે એમણે ‘લેડીઝ’ ડબ્બા જોયેલા નહીં. પછી તો આવા ડબ્બાઓમાં બેસી બેસીને આખા ભારતમાં પાંચ મહિના ફરી. કેરળના એક ગામડામાં કૂવામાંથી પાણી ખેંચવું પડે તેવા ઝૂંપડા જેવા ઘરમાં પણ રહી અને હિમાલચ પ્રદેશની ધર્મશાળાઓમાં પણ રહી. બંને હિપ્પીઓ નહોતી. વિયેતનામી યુદ્ધ સામે તેમ જ મહિલા આંદોલનમાં કાર્યકર તરીકે બંને બહુ જ સક્રિય રહેલી. હિપ્પીઓની જેમ ચલમો ફૂંકી ફૂંકીને વાસ્તવ અને વ્યવહારથી દૂર રહેવાનું એમને જચે નહીં. એ તો જુદા જુદા સાંસ્કૃતિક વાતાવરણોને ઝીલવા નીકળેલી. અગાઉ ગોરા લોકો ભપકાથી પ્રવાસ કરતા અને મોંઘી હોટેલોમાં રહેતા. સિત્તેરના દાયકાથી આપણે ત્યાં ઓછા પૈસે અને સાદાઈથી ફરવા પરદેશીઓ આવવા મંડેલા. અહીંથી પછી થાઈલેન્ડમાં ક્યાંક ક્યાંક ફરી, તે અગાઉ બંગલાદેશ ગયેલી. એક પતાકડું આવેલું તેમાં લખેલું કે હવે તેઓ તાઈવાનમાં રહીને અંગ્રેજી ભણાવવાના વર્ગોમાં કામ કરતા હતા અને એમને એમાં સારા પૈસા મળતા હતા, તે વખતે અને આજે પણ ઘણા દેશોમાં અંગ્રેજી અને તેમાં પણ અમેરિકન અંગ્રેજી શીખવા સંખ્યાબંધ યુવાનો અને યુવતીઓ આતુર હોય છે. વૈશ્ર્વિકરણમાં અમેરિકાનાં આર્થિક હિતોને અગ્રક્રમ છે. તેમની જોડે કામ કરવા માટે અંગ્રેજી તો જોઈએ. ચીની, ઈન્ડોનેશિયન, ગ્રીક વગેરે લોકોને અંગ્રેજી આવડે નહીં એટલે મોટી ફી આપીને તેઓ અંગ્રેજી શીખે, આજે ચાઈનામાં પણ તેમ જ છે, ઈરાના અને જોની તો ફાવી ગયાં. કરકસર એ તો એમનો જીવન સિદ્ધાંત. વળી જ્યાં જાય ત્યાં ‘અઠે જ દ્વારકા’ કરીને બેસી જાય અને ભારે ઉત્સુકતાથી પ્રત્યેક સ્થળની સંસ્કૃતિ માણે, ભાગ્યે જ કોઈ ખરીદી કરે. ઘણી વાર માર્કેટમાં બેસીને ઈરાના ચિત્રો દોરે અને જોની એની ગિટાર વગાડે કે આમ તેમ હરેફરે. થોડીવાર લોકોને જોણું થાય પણ બંને બહેનો એટલી મળતાવડી અને નિરાભિમાની કે સૌ જોડે ભાષા વિના પણ હળીભળી જાય. ઈરાના તો પૂર્વના દેશોની મહિલાઓ દ્વારા ચલાવાતી જૂની માર્કેટો જોઈને સ્તબ્ધ થઈ ગયેલી. મણિપુર કે મ્યાનમાર - બર્માની જેમ રોજિંદો વેપાર બધો મહિલાઓના હાથમાં! એક જ બાઈનાં બે ચિત્રો દોરે, એક એને આપે અને એક પોતે રાખે. આખા પ્રવાસનો એની પાસે આ રીતનો ચિત્રસંગ્રહ છે. ૧૯૮૪માં આ બહેનો ભારત આવેલી તે ૧૯૮૭માં હું એમના દેશમાં ગઈ ત્યારે માંડ ઘરે પહોંચેલી. આપણી પૂર્વના દેશોના પ્રવાસો પછી એ લોકો હવાઈથી અમેરિકા પાછાં ફર્યાં. ત્યાં અને કેલિફોર્નિયામાં પોતાના મિત્રોને મળ્યાં. એક જૂની ગાડી ખરીદીને છેક ત્યાંથી ફરતા ફરતા પોતાને ગામ બર્લિંગ્ટન, વરમોટુ પહોંચ્યા. જાપાન બહુ મોઘું એટલે ત્યાં નહીં ગયેલા. તાઈવાનમાં કમાયેલા પૈસા બચાવેલા તે હજી વાપરતા હતા, એક મોટું મકાન લઈ કોઈ સહનિવાસ જેવું મિત્રોએ બનાવેલું તેમાં રહેતાં હતાં. ઘર સરોવરને કિનારે, મારે માટે ઘર પાછળ મોટી બેકયાર્ડમાં સંગીતનો નાનો જલસો કરીને પાર્ટી પણ ગોઠવેલી. જોની હજી એ વિસ્તારમાં બિનસરકારી નાનકડી શાળામાં ઓછે પૈસે ભણાવેે છે, સરકારની યુદ્ધખોરી એને ગમતી નથી. ઈરાના બીજા રાજ્યમાં રહી નોકરી કરે છે. જોની અને ઈરાના યાદ આવ્યાં, કારણ કે ગયે અઠવાડિયે જ ‘એશિયન એજ’માં સમાચાર છે કે સ્ત્રીઓની છેડતી થાય છે એટલે લંડનમાં ટે્રેનોમાં મહિલાઓ માટે અલગ ડબ્બા અંગે વિચારણા થઈ રહી છે. કાગડા બધે જ કાળા, બીજું શું?

No comments:

Post a Comment