Friday, September 12, 2014

ફાસ્ટ ફૂડનો ઉદ્યોગ કેમ બદનામ થઇ રહ્યો છે? -- સ્પોટ લાઈટ - સંજય વોરા

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=107559


ફાસ્ટ ફૂડ ખાઇને આરોગ્ય બગાડનાર લોકો તે કંપનીઓ સામે કરોડો ડોલરના નુકસાનીના દાવા માડે છે

આજથી ૧૦ વર્ષ અગાઉ અમેરિકામાં રહેતા શાકાહારી ભારતીયોને ખબર પડી કે તેઓ જે બટાટાની ચિપ્સ (ફ્રેન્ચ ફ્રાઇસ) શાકાહારી સમજીને ખાતા હતા, તેને હકીકતમાં ગાયની ચરબીમાં તળવામાં આવતી હતી. અમેરિકામાં શાકાહારનો અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરતી અનેક સંસ્થાઓ વતી એડવોકેટ હરીશ ભારતીએ મેક્ડોનાલ્ડ્સ સામે નુકસાનીના દાવાઓ માંડ્યા હતા. આ દાવાઓનો ચુકાદો આવતા અમેરિકન મલ્ટિનેશનલ કંપનીએ અનેક સંસ્થાઓને ૫૦,૦૦૦ ડોલરથી લઇ ૧૪ લાખ ડોલર સુધીનું વળતર ચૂકવવું પડ્યું હતું.આ વળતર પાછળ મેક્ડોનાલ્ડ કંપનીને આશરે એક કરોડ ડોલરનું નુકસાન થયું હતું. આવા તો અનેક નુકસાનીના દાવાઓ આજે ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ સામે ચાલી રહ્યા છે. વિશ્ર્વભરમાં ફાસ્ટ ફૂડનો ઉદ્યોગ બદનામ થઇ રહ્યો છે. અમેરિકાની પ્રજા તદ્દન ભેજાગેપ છે. તેમને મેકડોનાલ્ડ્સના હેમ્બર્ગર વિના ચાલતું નથી અને શરીરની ચરબી વધે તે પણ પરવડતું નથી. પહેલાં હેમ્બર્ગર ખાઇને તેઓ પોતાની જીભના સ્વાદને પોષે છે અને પછી મેદ વધી જાય ત્યારે ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓને કોસે છે. તેઓ હેમ્બર્ગર ખાવાનું ચાલુ રાખીને ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ ઉપર નુકસાનીના દાવાઓ ઠોક્યા કરે છે. અમેરિકાની કોર્ટો પણ અવનવા ચુકાદાઓ આપવા માટે જાણીતી છે. તેનો અનુભવ સિગારેટ બનાવતી કંપનીઓને તો થઇ જ ગયો છે. તેમણે કરોડો ડોલર આરોગ્યની નુકસાની પેટે ચૂકવવા પડે છે. હવે ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓનો વારો આવ્યો જણાય છે.

સિગારેટના પેકેટ ઉપર મોટા અક્ષરે લખવું પડે છે : "સિગારેટ પીવાથી કર્કરોગ થાય છે. તેમ છતાં જેમને સિગારેટનું વ્યસન હોય તેઓ પીધા વિના રહી શકતા નથી. ફાસ્ટ ફૂડ પણ હવે એક વ્યસનની હદે લોકોને રંજાડી રહ્યું છે. એક વખત ફાસ્ટ ફૂડનો સ્વાદ જીભને વળગી ગયો તે પછી તેના ખેંચાણમાંથી મુક્ત થવું ખૂબ મુશ્કેલ છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્સના ફાસ્ટ ફૂડની વિરુદ્ધમાં આટલો બધો પ્રચાર થાય છે તો પણ લાખો નાગરિકોના પગ સવાર પડતાં જ ફાસ્ટ ફૂડના જોઇન્ટ તરફ વળે છે. અમેરિકામાં જેમ કેન્સરના વધી રહેલા પ્રમાણ માટે સિગારેટ કંપનીઓને જવાબદાર માનવામાં આવે છે તેમ ચરબીજનક રોગો માટે ફાસ્ટ ફૂડ કંપનીઓ સામે ખટલાઓ વધી રહ્યા છે.

મેકડોનાલ્ડ્સનું ફાસ્ટ ફૂડ ખાવાથી શરીર ઉપર કેવા ચરબીના થર જામી જાય છે તે હકીકતનું દિગ્દર્શન ‘સુપરસાઇઝ મી’ ફિલ્મમાં ખૂબ અસરકારક રીતે કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનો હીરો દિવસો સુધી મેકડોનાલ્ડ્સના ફાસ્ટ ફૂડ ઉપર રહ્યો હતો, જેને પરિણામે તેનું વજન ખરેખર વધી ગયું હતું. આજે આખા અમેરિકામાં આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. ઇ.સ. ૨૦૦૨માં ન્યુ યોર્કના બે કિશોરો મેકડોનાલ્ડ્સનું ફાસ્ટ ફૂડ ખાઇને જાડિયા અને રોગિષ્ટ થઇ ગયા ત્યારે તેમના વાલીઓએ મેકડોનાલ્ડ્સ સામે નુકસાનીનો દાવો માંડ્યો હતો. ત્યારથી ફાસ્ટ ફૂડનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે નુકસાનીના દાવાઓની હારમાળા ચાલી રહી છે. અમેરિકન ટીવી ઉપર જે કોમેડી સિરિયલો આવે છે તેમાં પણ ફાસ્ટ ફૂડ આરોગીને જાડિયા બની જતા લોકોની સખત ઠેકડી ઉડાડવામાં આવે છે. ફાસ્ટ ફૂડ હવે એક અણમાનીતો શબ્દ બની ગયો છે. 

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે બધા જ રોગોનું મૂળ પ્રજ્ઞાપરાધ એટલે કે અવળી બુદ્ધિ છે. માણસને ઘણી વખત ખબર હોય છે કે અમુક આહાર લેવાથી તેના આરોગ્યને નુકસાન થવાનું છે તો પણ તેની બુદ્ધિ તેને આ ખોરાક ખાવા તરફ લઇ જાય છે. અમેરિકનો અને હવે ભારતીયો પણ પ્રજ્ઞાપરાધનો ભોગ બની પોતાના આરોગ્ય સાથે જોખમી રમત રમી રહ્યા છે. મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાએ થોડા સમય અગાઉ મુંબઇમાં ચાઇનીઝ ફૂડનાં ધાબાંઓ ઉપર દરોડા પાડ્યા ત્યારે જણાયું હતું કે ૯૦ ટકા ધાબાંઓમાં ચાઇનીઝ ફૂડને સ્વાદિષ્ટ બનાવવા પ્રતિબંધિત મોનો સોડિયમ ગ્લુકોમેટ નામના કેન્સર પેદા કરનાર કેમિકલનો ઉપયોગ થાય છે. આ ખબર છાપામાં છપાયા અને લોકોએ વાંચ્યા તે પછી પણ ચાઇનીઝ ફૂડના સ્ટોલ ઉપર ગિરદી ઓછી થતી નથી. લોકોને પોતાનું આરોગ્ય બગાડવું જ હોય તો કોણ રોકી શકે? 

અમેરિકાની વાત ઉપર પાછા ફરીએ તો ગ્રાહકોની ચરબી વધે કે આરોગ્ય કથળે તેનાથી ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓને કંઇ જ ફરક પડતો નથી. તેમનો હેતુ લોકોના આરોગ્યની ચિંતા કરવાનો નથી પણ પોતાની કંપનીનો નફો વધારવાનો છે. પરંતુ કંપની સામે નુકસાનીના દાવાઓ થવા લાગે ત્યારે તેમને જરૂર ફરક પડે છે. અમેરિકાની ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓના હાથ નાગરિકો ધારે છે તેના કરતાં વધુ લાંબા છે. ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ સામે દાવાઓ વધવા લાગ્યા એટલે તેમણે અમેરિકાના વિવિધ રાજ્યોની સરકાર ઉપર પોતાની વગ વાપરવા માંડી છે. આ માટે વોશિંગ્ટનમાં પોતાની હેડ ઓફિસ ધરાવતું નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન આગળ આવ્યું છે. આ એસોસિયેશનની મહેનતથી અમેરિકાનાં ૨૦ રાજ્યોએ એવા કાયદા કર્યા છે, જેના કારણે આરોગ્યની સમસ્યા માટે નાગરિકો ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ પાસે વળતર મેળવી શકશે નહીં. 

ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ ઉપર અમેરિકાના રાજકારણીઓને વગર કારણે પ્રેમ નથી ઉભરાઇ આવ્યો. ઇન્સ્ટિટ્યૂટ ઓન મની ઇન સ્ટેટ પોલિટિક્સ નામની સંસ્થાના સર્વે મુજબ ઇ.સ. ૨૦૦૨ અને ૨૦૦૪ની ચૂંટણીઓમાં ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓએ વિવિધ પક્ષોના ઇલેક્શન ફંડમાં ૫૫ લાખ ડોલર ડોનેશન તરીકે આપ્યા હતા. અમેરિકાના ઉદ્યોગપતિઓ તો ઇલેક્શન ફંડમાં ઓફિશિયલ ચેકથી ડોનેશન આપી શકે છે, જેના આંકડાઓ પણ જાહેર થતા હોય છે, માટે આ આંકડાઓ ન માનવાનું કોઇ કારણ નથી. આ ડોનેશન જે ૨૦ રાજ્યોમાં આપવામાં આવ્યું હતું તેમણે જ ફાસ્ટ ફૂડની કંપનીઓને સંરક્ષણ આપતા કાયદાઓ બનાવ્યા છે. હવે બીજાં ૧૧ રાજ્યમાં પણ આ પ્રકારના કાયદાઓ બનાવવાની તજવીજ ચાલી રહી છે. અમેરિકાના રાજકારણીઓને પણ પ્રજાના આરોગ્ય કરતાં વધુ ચિંતા કંપનીઓના આરોગ્યની હોય છે. 

અમેરિકાના રાજ્યોનું ન્યાય અને કાયદા ખાતું જાણે ફાસ્ટ ફૂડ બનાવતી મલ્ટિનેશનલ કંપનીઓએ ખરીદી લીધું છે. આ કંપનીઓએ વિવિધ રાજ્યોની સરકારોને પોતાની તરફેણમાં કાયદાઓ ઘડવા માટે દબાણ કર્યું, એટલું જ નહીં પણ આવા ચુકાદાનો મુસદ્દો પણ તૈયાર કરીને આપ્યો. કોકા કોલા કંપનીના અધિકારીઓ ટેક્સાસ જઇને ત્યાંના કાયદા ખાતાના અધિકારીઓને રૂબરૂ મળ્યા અને કાયદાનો અમલ કેવી રીતે કરી શકાય તેનું માર્ગદર્શન આપી આવ્યા. આ મુલાકાતના થોડા જ સમય પછી ટેક્સાસના ગવર્નરે કોમનસેન્સ ક્ધઝમ્પ્શન બીલ ઉપર સહી કરી દીધી. આ કાયદાનો મતલબ એવો થાય છે કે ફાસ્ટ ફૂડ ખાવાથી તબિયત બગડે એ કોમનસેન્સની વાત છે. જેનામાં આટલી કોમનસેન્સ ન હોય તેને કંપની પાસે નુકસાની માંગવાનો શો અધિકાર છે? આવો કાયદો હવે અમેરિકાની સંસદમાં પણ આવી રહ્યો છે. 

અમેરિકામાં ફાસ્ટ ફૂડ બનાવતી લોબી જેમ પાવરફુલ છે તેમ લોકોના આરોગ્યની રક્ષા કરનારી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સક્રિય છે. સેન્ટર ફોર સાયન્સ ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ નામની સંસ્થા મલ્ટિનેશનલ ફૂડ કંપનીઓ સામે વર્ષોથી જંગ ખેલી રહી છે. આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર માઇકલ જેકોબસન કહે છે કે , ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ આ રીતે કાનૂની ખટલાઓથી બચવાની તજવીજ કરી રહી છે તે શરમજનક છે. જો ફાસ્ટ ફૂડના ગેરફાયદાઓથી અણજાણ કોઇ માણસના આરોગ્યને હાનિ થઇ હોય તો તેને ખટલો માંડવાનો અધિકાર હોવો જોઇએ. જો કોર્ટને તેનો ખટલો ક્ષુલ્લક જણાય તો તેને ફગાવી દેવાનો અધિકાર છે. અમેરિકાનાં રાજ્યોએ તાજેતરમાં પસાર કરેલા કાયદાઓ તો કોઇ પણ નાગરિકને ફાસ્ટ ફૂડ કંપનીઓ સામે ખટલો માંડતા જ અટકાવે છે. ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ એટલી બધી પવિત્ર છે? 

હવે ખરાખરીનો ખેલ જામ્યો છે. ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓ પાસે ચિક્કાર પૈસો છે અને જાહેરખબરોનું મોટું બજેટ છે. તેઓ પ્રજાનું બ્રેઇનવોશિંગ કરી શકે છે. અમેરિકાના કે ભારતના ભણેલાગણેલા નાગરિકો પણ મોટી કંપનીઓના ખોટા પણ લોભામણા પ્રચારની માયાજાળમાં ફસાઇ જાય છે તે હકીકત છે. આ ખોટા પ્રચારની અસર હેઠળ જ આજે કરોડો નાગરિકો આરોગ્યને પારાવાર નુકસાન કરનાર કોલા ડ્રિન્ક્સની બોટલો ગટગટાવી રહ્યા છે ને? અમેરિકાની ફાસ્ટ ફૂડની કંપનીઓએ જનમત પોતાની તરફેણમાં છે, એવું સિદ્ધ કરવા માટે ‘ગેલપ’નામની કંપની પાસે એક ઓપિનિયન પોલ કરાવ્યો. આ જનમતમાં એવું જાણવા મળ્યું કે અમેરિકાની ૮૯ ટકા પ્રજા ફાસ્ટ ફૂડની કંપનીઓ સામે માંડવામાં આવતા કાનૂની ખટલાઓ સાથે સંમત નથી. આવા જનમત પણ ઉપજાવી કાઢેલા જ હોય છે. સામે પક્ષે ગ્રાહકોના હિત માટે લડતી સંસ્થાઓ અને વ્યક્તિઓ પણ કટિબદ્ધ છે. અમેરિકામાં તો એવા વકીલો છે, જેઓ આ રીતે નુકસાનીના ખટલાઓ જ હાથમાં લે છે. અસીલો પણ તેમને જેટલું વળતર કંપની પાસેથી મળે તેનો અમુક ટકા ભાગ વકીલને આપવાના પહેલેથી જ કરાર કરતા હોય છે, એટલે વકીલો પૂરી તાકાતથી આવા કેસો લડતા હોય છે અને માલદાર બનતા હોય છે. આવા વકીલોને વિશ્ર્વાસ છે કે કોમનસેન્સ ક્ધઝમ્પ્શન કાયદાઓ પછી પણ ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓને તેઓ કોર્ટમાં ઘસડી શકશે. ફાસ્ટ ફૂડ બનાવતી કંપનીઓને સૌથી વધુ ડર આ પ્રકારના કેસોની વધી રહેલી સંખ્યાનો છે. એકવીસમી સદી એ અક્કલની બલિહારીની સદી છે.

No comments:

Post a Comment