Wednesday, July 2, 2014

થોડીક ડાહી ડાહી શિખામણો --- સૌરભ શાહ

‘તાજા કલમ: હું તને ચાહું છું’ પુસ્તકના જ પ્રકાશકનું એક બીજું પુસ્તક છે: ‘લાઈફ્સ લિટલ ઈન્સ્ટ્રક્શન બુક’ અર્થાત્ થોડી ડાહી ડાહી શિખામણો. પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક એમ. જૅક્શન બ્રાઉન જુનિયર ખુલાસો કરે છે કે વાસ્તવમાં આ શિખામણો અમારો દીકરો સ્કૂલનું ભણવાનું પૂરું કરીને કૉલેજના અભ્યાસ માટે હૉસ્ટેલમાં રહેવા ગયો ત્યારે મેં એને લખીને આપી હતી. લેખક-સંપાદક બ્રાઉનની આ વાત બોગસ સેલ્સ ગિમિક હોઈ શકે અને સો ટકા સત્ય પણ હોઈ શકે. જે હોય તે. આપણને નિસ્બત આ નાનકડા પુસ્તકમાં આપેલી ૫૧૧ સલાહ - શિખામણો - સૂચનાઓ સાથે છે. આ શિખામણો કડકડાટ લખાઈ છે, પરંતુ વાંચતી વખતે તમારે વિરારથી નીકળેલી ચર્ચગેટ સ્લોની જેમ દરેક સ્ટેશને ઊભા રહેવું જોઈએ. અને ભૂલેચૂકે ઝડપ વધી જાય તો ગાડી રિવર્સમાં લઈને એ સ્ટેશનની મુલાકાત ફરી લેવી જોઈએ. જેવી તમારી મરજી. આ શિખામણો એક એક વાક્યની છે. ૫૧૧માંથી જે ગમી તે આ છે:

વર્ષમાં ઓછામાં ઓછો એક વાર સૂર્યોદય જોવો. સંગીતનું એક વાજિંત્ર વગાડતાં આવડવું જ જોઈએ. ‘કેમ છો’ કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઈએ. ગાડી સસ્તી વાપરવી, ઘર પોસાય એટલું મોંઘું જ લેવાનું. શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો - પછી ભલે તમે એને વાંચો કે ન વાંચો. શૂઝ હંમેશાં પૉલિશ્ડ રાખવા. મારામારી થઈ જ જાય તો પહેલો મુક્કો આપણે મારવાનો અને જોરદાર મારવાનો. મિત્રો અને કુટુંબીજનોના

ખૂબ ફોટા પાડવા. કોઈ પણ વ્યક્તિને લખી માંડી વાળો નહીં. પોલીસ, બંબાવાળા અને સૈનિકો પ્રત્યે હંમેશાં આદર વ્યકત કરો. ટૂથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણું બંધ કરો. મત આપો. કોઈએ લંબાવેલા હાથને ક્યારેય તરછોડવાનો નહીં. જિંદગી એવી રીતે જીવો કે તમારાં છોકરાં ભવિષ્યમાં જ્યારે ઉદારતા, નિષ્ઠા અને લાડકોડ વિશે વિચારે ત્યારે એમને તમે જ યાદ આવો. બહાદુર બનો અથવા એવો દેખાવ કરતા રહો કારણ કે બીજા કોઈને એ ફરકની ખબર પડવાની નથી. આનંદમાં આવીને વ્હિસલ વગાડતાં શીખો. સંતાનોને કડક શિસ્તના પાઠ ભણાવ્યા પછી એમને ઉષ્માથી ભેટવાનું ભૂલતા નહીં. સારી સંસ્થાઓને તમારા પૈસાનું અને સમયનું દાન સતત કરતા રહો. મહેણું ક્યારેય ન મારો. એવાં જ પુસ્તકો બીજાને વાંચવા માટે ઉછીના આપો જે પાછાં આવે કે ન આવે એની તમને દરકાર ન હોય.

સંતાનો સામે એમની સારી બાજુનાં વખાણ કરો અને કહો કે તમે એમના પર કેટલો બધો વિશ્ર્વાસ મૂકો છો. ક્રેડિટ કાર્ડ સગવડતા સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. ક્યારેય છેતરાવાનું નહીં. તમારા પ્રદેશનાં ફૂલ, પંખી અને વૃક્ષ ઓળખતાં શીખી જાઓ. મોંઘા દારૂ, મોંઘા બૅગ-પર્સ અને મોંઘી ઘડિયાળો ક્યારેય ખરીદવાં નહીં. ટાઈ બાંધતાં શીખી જાઓ. વાળંદને ક્યારેય ન પૂછો કે મારા વાળ વધી ગયા છે? કોઈ પોતાનો કિસ્સો કહેતું હોય તો તમે વળી એ જ પ્રકારના તમારી સાથે બનેલા કિસ્સાની વાત નહીં માંડતા, એને જ બોલવા દેજો. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. કોઈ પણ આશાવાદીની વાતને તોડી નહીં પાડવાની, શકય છે કે એની પાસે માત્ર આશા જ હોય. બૅન્કના મૅનેજર સાથે ઓળખાણ રાખો. રાત્રે જમતી વખતે ટીવી બંધ કરી દો. અઠવાડિયે એક ટંક ઉપવાસ કરો અને એ ભોજનના ખર્ચ જેટલા પૈસા કોઈ બેઘર આદમીના હાથમાં મૂકી દો. સારો વકીલ, સારો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને સારો પ્લમ્બર હાથવગો રાખવો સારો. નેગેટિવ પ્રકૃતિના માણસોને મળવાનું જ ટાળો. તમે જે ધ્યેય લઈને બેઠા છો એને છોડી દેતા નહીં કારણ કે સંકુચિત વાસ્તવિકતાઓમાં પડી રહેતા માણસ કરતાં વિશાળ સપનાંઓમાં રમતી વ્યક્તિ વધુ શક્તિશાળી હોય છે.

દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. જરૂર કરતાં વધારે દયાળુ બનો. દરેક વ્યક્તિને બીજી તક આપો, ત્રીજી નહીં. તમારા પતિના કે તમારી પત્નીના બેસ્ટ ફ્રેન્ડ્ઝની યાદીમાં સતત તમારું નામ હોય એની કાળજી રાખો. રોમેન્ટિક બનો. જે તમને પગાર આપે છે એની ટીકા ક્યારેય કરવાની નહીં, કામ ન ગમતું હોય તો રાજીનામું આપીને છૂટા થઈ જવાનું. દરેક બાબતમાં બાળસહજ કૌતુક પ્રગટ કરો અને સતત ‘આવું શા માટે’ પૂછતા રહો. તમે જે ઉત્સાહી અને પોઝિટિવ વિચારોવાળી વ્યક્તિને ઓળખો છો એના જેવા બનવાની કોશિશ કરો. સંતાનોને તમે દુનિયાની બધી જ શ્રેષ્ઠ ચીજો આપી નથી શકતા એની ફિકર કરવાને બદલે તમારું જે શ્રેષ્ઠ છે તે જ આપવાની કોશિશ કરો. યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિને પોતાની સારી બાજુનાં વખાણ સાંભળવા ગમે છે. ટેન્શનમાં આવી જાઓ ત્યારે વિચારોને રિવર્સમાં લઈને થોડા રિલેક્સ થાઓ, તમને સમજાઈ જશે કે જીવનમરણનો ખેલ હોય એવી ભાગ્યે જ આવતી કટોકટી સિવાયની કોઈ સમસ્યા પહેલી નજરે દેખાય છે એટલી મોટી નથી હોતી. દરેકને શંકાનો લાભ આપો. પત્રકાર સાથે વાત કરતાં ખ્યાલ રાખો કે એ જ્યારે લખશે ત્યારે એનો જ શબ્દ છેલ્લો હશે. (ક્રમશ:)

No comments:

Post a Comment