Tuesday, June 10, 2014

દીકરીઓએ મને કેટલું બધું શીખવ્યું! --- સમજણ - તૃપ્તિ જોબનપુત્રા

કેતકી ઉપાધ્યાય વડોદરામાં વસતા સુશિક્ષિત ગૃહિણી છે. આર્કિટેક્ટ પતિ ઉન્મેશ સાથે મળી ગરીબ બાળકોને શિક્ષણ આપતી બિનસરકારી સંસ્થામાં સક્રિય રહે છે. જોડિયા દીકરીને વારાફરતી સાસરે વળાવી દીધા પછી ઘરમાં ખાવા ધાતી એકલતાને આઘી રાખવા એમણે આ પ્રવૃત્તિને વધુ સમય આપવા માંડ્યો છે. કોઈ જાણીતી સામાજિક સંસ્થાની મહિલા પાંખના પ્રમુખે એક દિવસ ફોનમાં વિનંતિ કરી એથી એમને જરા નવાઈ લાગી. ‘તમે એક સફળ માતા છો તો તમે તમારી દીકરીઓના વિકાસમાં ભજવેલી ભૂમિકા અમારી સંસ્થાની બહેનોને ન જણાવો,’ એવું એમણે પૂછ્યું.

કેતકીબહેનને વાત ગમી. એમણે પોતાના વિચારો પહેલા બધા લખી નાખ્યા અને શક્ય એટલા યાદ રાખી બહેનોને કહ્યાં. દંગ રહી ગયેલી શ્રોતા બહેનો પહેલી એક મિનિટ તો કંઈ પ્રતિભાવ ન આપી શકી, પછી ઊભા થઈ તાળીઓના ગડગડાટ સાથે કેતકીબહેનને વધાવી લીધાં.

આ હતા કેતકીબહેનના શબ્દો...

‘પોતાનાં સંતાનોના ઉછેરમાં માતા સૌથી વધુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે એ સ્વીકૃત માન્યતા છે, પરંતુ હું ભારપૂર્વક કહી શકું છું કે મારી વહાલી બે દીકરીના જન્મ પછી જ મારો ખરો વિકાસ થયો છે. તેમને એ વિચિત્ર લાગે છે? મારી વાત સાંભળ્યા પછી કદાચ નહીં લાગે.

મોટે ભાગે બાળકો તોફાની બારકસ કે ટેણુકડા રાક્ષસ લાગતાં હોય છે, પરંતુ તેઓ ખરેખરાં દેવદૂત હોય છે. મા-બાપ તરીકે આપણે જીવનને કેવી રીતે બહેતર બનાવી શકીએ એ અંગે તેઓ આપણને ઘણું બધું શિખવતાં હોય છે. મારા ઉદરની અંદર એમનો જન્મ થતાં જ પ્રેમ, સંભાળ અને જવાબદારીનો માતૃભાવ મારામાં જાગેલો. હું એ જ દિવસથી-એ જ ક્ષણથી પ્રેમાળ, કાળજી રાખનારી અને જવાબદાર વ્યક્તિ બની ગયેલી. દીકરીઓ થોડી મોટી થતાં એ બંને અને હું પણ રાતે સૂતી વખતની વાર્તા સાંભળવા-સંભળાવવાની રાહ જોતાં. એમને વાર્તા કહેતા મારી કલ્પનાને પાંખો ફૂટતી. આ વાર્તા કહેવાનું ન આવ્યું હોત તો મેં આવી રસપ્રદ વાર્તાઓ ઘડી ન કાઢી હોત.

‘તમને મારા બાળપણની વાત કહું?’ એમ એમને પૂછીને હું

મારા ઉછેરના પ્રસંગો કહેતી. એમાં જાણેલા-જોયેલા-વાંચેલા રસપ્રદ અને રમૂજી પ્રસંગો જોડી દેતી. એમને એ કુમળી વયે સમજાય

અને એમના દિલમાં ઊતરી જાય એવી ભાષામાં જીવનમૂલ્યોની શીખ આપતી.

મને ચિંતા થવા લાગી કે આ દીકરીઓ કઈ પ્રિપ્રાઈમરી શાળા-બાળમંદિરમાં જશે. કદાચ એ ચિંતા વાજબી પણ હતી. હું કેટલીય આવી પ્રિપ્રાઈમરી શાળામાં પ્રવેશ માટેના સાવ ઝીણા અક્ષરમાં છપાયેલા બધા નિયમો ધ્યાનપૂર્વક વાંચી ગઈ. છેવટે એક શાળા પસંદ કરી. એમાં દીકરીઓના પ્રવેશ ટાણે મા-બાપના ઈન્ટર્વ્યૂ માટે મેં મારી બુદ્ધિને જરા ધાર કાઢી લીધી. એ બંને મોટી થતી ગઈ અને ઉપરના ધોરણમાં આવતી ગઈ તેમ તેમ હું પણ મારી બુદ્ધિ સમજનો વિકાસ કરતી ગઈ. અગાઉ મારા ધ્યાનમાં નહોતી આવી એવી નાની નાની વાતોમાંથી આનંદ મેળવતાં હું પણ શીખી ગઈ.

સુંદર ફૂલ, વરસતો વરસાદ, કુતરાનું વહાલ કે કોઈ રમૂજી ઘટનાને જોતાં દીકરીઓનો ચહેરો આનંદથી ચમકી ઊઠતો એ ભાવનો પ્રસન્ન ધક્કો મને પણ જોરદાર લાગતો. તેઓ કમ્પ્યુટરના ઉપયોગમાં પાવરધી બની અને એમના જીવનનું એ અનિવાર્ય સાધન બની ગયું ત્યારે એની કરામતોથી ઠીકઠીક પરિચિત થઈ હું પણ ટેક-સેવી બની ગઈ. દીકરીઓએ મારી ટેક્નિકલ જાણકારી અને ઈન્ટરનેટ સભાનતા વધારી. ડિજિટલ ઈકોનોમીની જાણકારીથી કામોમાં મળેલી રાહતથી હું દંગ થઈ. વધુ ને વધુ શીખવાનું, જાણવાનું મને ઝનૂન ચડ્યું છે. નવી નવી વાનગીઓ ચાખવા આતુર દીકરીઓની જીભને સંતોષવા ઈન્ટરનેટ પરથી કેટલીય નવીન રેસિપીઓ મેં ડાઉનલોડ કરીને ઉપયોગમાં લીધી છે, પણ એ રેસિપી મેં ક્યાંથી મેળવી એ મેં એમને જણાવ્યું નહોતું.

વર્ષો પસાર થતાં મારી દીકરીઓના સ્થાન એમના શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓની નજરમાં ઉન્નત રહે એ જરૂરી બન્યું. મેં વિવિધ મુદ્દે મારી માહિતી, મારું જ્ઞાન, મારી સમજણ વિક્સાવી. એમનાં દોસ્તો-સખીઓ તથા શિક્ષકોમાં હળીમળી જવાના મારા પ્રયાસમાં મારી મારાં કપડાંની પસંદગી અને સ્ટાઈલમાં નોંધપાત્ર સુધારો થયો. એમની બર્થ-ડે પાર્ટીઓએ ઈન્ટિરિયર ડેકોરેશનની મારી સમજણ અને પસંદગી આધુનિક બની. મારી દીકરીઓએ જ મારામાં સીવણકળામાં પાવરધા બનવાની ઈચ્છા મજબૂત કરી. મારાં સીવેલા કપડાં પહેરવામાં એમને મજા આવતી હતી અને દર વખતે કાપડ, પેટર્ન, ડિઝાઈન, કટમાં એ કંઈ ને કંઈ નવતર સૂચવતી. એથી એ કામમાં મારાં રસ અને ઝીણવટ વધ્યાં.

મારા સ્કૂલ-કોલેજના દિવસોમાં મને સંગીતમાં થોડો રસ હતો અને મને વધુ નહીં પણ ‘સારેગમ’ની તો ખબર હતી, પણ અમુક દિવસોએ એમના સંગીતના વર્ગમાં બેસતાં મારા સંગીતના જ્ઞાનમાં પણ વધારો થયો. મેં મારા કોલેજકાળમાં મેળવેલી ગણિતમાં નિપૂણતા

દીકરીઓને ગણિત શીખવતા ખીલી ઊઠી. એ દિવસોમાં એ દરેક કામ કરવાનો મેં આનંદ માણ્યો છે. ક્યારેક કોઈ કામમાં હું કાચી પણ પુરવાર થઈ હતી.

બંને દીકરી તરવાનું શીખતા અચકાતી હતી અને એક યા બીજા બહાને એ ટાળતી રહેતી હતી. આ જીવનરક્ષક કૌશલ્ય એમને શીખવવાનો સૌથી વધુ અસરકારક રસ્તો કયો હતો? હું પોતે સ્વીમિંગપૂલમાં ઊતરતી. નાની દીકરીઓને તરવાનું પ્રાથમિક શિક્ષણ આપતાં આપતાં એમની સાથે તરવાનું ક્યારેક જરા અણછાજતું લાગતું હતું, પણ મેં મારું ધ્યેય સિદ્ધ કર્યું. ધીમે ધીમે બંને તરવામાં પ્રવીણ બની અને રસપૂર્વક નિયમિત તરવાનો વ્યાયામ કરવા લાગી. મારી એ સમયની તરવાની ટેવને લીધે આજે મને સ્વીમિંગપૂલમાં ઊતર્યા વગર પણ પીઠની પીડા રાહત આપે છે.

૧૦મું ધોરણ પાસ કર્યા પછી ૧૧મા-૧૨માનાં વર્ષો દરમિયાન હું એ સમયની ‘ફેશન’ને અનુસરી ટાઈપિંગ શીખેલી, પણ સાચું કહું તો માત્ર પ્રાથમિક જ શીખી શકેલી. દીકરીઓને ટાઈપિંગ શીખવા પર દબાણ લાવવા હું પણ ક્લાસમાં જવા લાગેલી. એ બંનેએ કમ્પ્યુટર ઉપયોગમાં એ આવડતને કામે લગાડી ઝડપથી ઝડપી ટાઈપિંગ કરતી થઈ ગઈ એની સાથે સાથે મારું પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે એક એક અક્ષર શોધીને ટાઈપ કરવાનું અટક્યું અને હું પણ સડસડાટ ટાઈપ કરવા લાગી. ઉનાળાના વેકેશનમાં તેઓ ફ્રેન્ચ અને જર્મન ભાષા શીખતી. સ્વાભાવિક છે કે મને પણ એ બંને ભાષાના થોડા શબ્દો અને એના અંગ્રેજી-હિન્દી અર્થ જાણવા મળ્યા. પછી મને જાપાની શીખવામાં એવો રસ પડ્યો કે હું પણ કલાસમાં

જોડાઈ ગઈ અને આજે ઘરમાં જાપાની

ભાષામાં મે મેળવેલો ડિપ્લોમા લટકી

રહ્યો છે.

બીજી બહુ મજાની વાત હું મારી દીકરીઓના કારણે જ શીખી એ ડ્રાઈવિંગ છે. મહત્ત્વાકાંક્ષી મા તરીકે એમને વિવિધ પ્રવૃત્તિ અને શિક્ષણના વર્ગોમાં પહોંચાડવાની જોરદાર ભાગદોડમાં કાર જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાતાં મેં એ શીખી લીધું અને અમને સૌને ઘણી રાહત થઈ ગઈ.

આ બધા ક્લાસ ભરવામાં એ બંને કે કોઈ એક ઘણીવાર વંકાઈ જતી અ ને મારો ઉપર ચડી જતો. એમણે મને જીવનનું સૌથી વધુ મહત્ત્વનો પાઠ શીખવ્યો-ગુસ્સો આવે ત્યારે શું કરવું. હું મારો ગુસ્સો અંકુશમાં લાવતા શીખી. મારો અવાજ ઊંચો કર્યા વગર

એમની સાથે દૃઢતાથી કઈ રીતે વર્તવું એ કળા શીખતા મને વાર લાગી, પણ છેવટે આવડી તો ગઈ. હું એમને લાડ પણ લડાવતી

અને ટપારતી-નકારતી પણ ખરી. દરેક માતાને એ તો આવડવું જ જોઈએને? એ કહેવાની હવે કોઈ જરૂર જ નથી રહી કે

એમના કારણે જ હું આજની પેઢીના વિચારો સમજતી (અને સ્વીકારતી પણ) થઈ.

મારી સુષુપ્ત ક્ષમતા દીકરીઓને કારણે સક્રિય થઈ. મેં એમને ઉછેરી એમ કહેવા કરતાં વધુ સાચું એ છે કે એમને કારણે ખરેખર તો હું વિકસી.

છેલ્લે, આપણે પોતે મા-બાપ બનીએ પછી જ મા-બાપના પ્રેમનાં ઊંડાણ અને તીવ્રતાનું આપણને ભાન થાય છે, એ બહુ જ મૂલ્યવાન પાઠ છે.

આજે પોતપોતાને ઘેરે આનંદથી રહેતી દીકરીઓના જવાથી મારા ઘરમાં સર્જાયેલો શૂન્યાવકાશ ભરવા હું પ્રયાસ કરી રહી છું, પરંતુ મને સમજાઈ ગયું છે એ ભરવો અત્યંત અત્યંત મુશ્કેલ છે.’

No comments:

Post a Comment