Showing posts with label મહેન્દ્ર પુનાતર. Show all posts
Showing posts with label મહેન્દ્ર પુનાતર. Show all posts

Saturday, June 7, 2014

શ્રેષ્ઠને પ્રાપ્ત કરવા સામેથી જવું પડે --- મહેન્દ્ર પુનાતર

દરેક માણસને કોઈ ને કોઈ જાતનો અહંકાર હોય છે, જે તેને શ્રેષ્ઠ પાસે જવા નથી દેતો. સારાને શોધવું પડે છે, એની મેળે આવી જતું નથી. આ માટેની પ્રથમ શરત છે નમ્રતા


આ જગતમાં કોઈ પણ વસ્તુ એની મેળે મળતી નથી. શ્રેષ્ઠ ચીજોને તો શોધવી પડે છે. તે મેળવવા માટે પ્રયાસો કરવા પડે છે. કેટલીક ચીજો એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. પ્રબળ ઈચ્છા અને પુરુષાર્થ હોય તો તે મળે છે. ઉત્તમ જે છે તેને મેળવવા માટે આપણે સામેથી જવું પડે છે. તેને માટે નમ્રતા ધારણ કરવી પડે છે અને અહંકારશૂન્ય બનવું પડે છે. આમાં હુકમ કે આદેશ કામ આવતો નથી. માત્ર પ્રાર્થના અને અરજ કાર્યરત બને છે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે પૈસાથી બધું મળી શકે છે. આપણે પૈસાના ત્રાજવે બધું તોળીએ છીએ અને હિસાબકિતાબ માંડીએ છીએ. કેટલીક વખત વસ્તુ સામે પડી હોય આમ છતાં આપણને હાથ લાગતી નથી. મોટે ભાગે જે નજીકમાં હોય તેના તરફ માણસની નજર જતી નથી, કારણ કે માણસ દૂર તરફ મીટ માંડીને બેઠો છે. આપણી પાસે જે સુખ છે તે આપણને દેખાતું નથી. બીજાનું સુખ સારું લાગે છે. જે હાથમાં હોય છે તેની કિંમત રહેતી નથી અને જે હાથમાંથી છટકી જાય છે તે મૂલ્યવાન બની જાય છે. જગતમાં જે શ્રેષ્ઠ છે તેની પાસે જવું પડે છે. તે આપણાં કદમોમાં એની મેળે આવી જતું નથી. અને જે વગર મહેનતે સહેલાઈથી હાથમાં આવી જાય છે તેની કિંમત રહેતી નથી. મફતમાં મળેલી કોઈ પણ ચીજમાં લાંબો સમય રસ રહેતો નથી. મહેનતથી મળેલું ભલે નજીવું હોય, પરંતુ તેનો આનંદ અપાર છે. આ અંગે ઓશોએ ટાંકેલી એક દૃષ્ટાંતકથા પ્રેરક છે...

એક સમ્રાટને સંગીત સાંભળવાનો શોખ હતો. સંગીતનો રસિયો આ સમ્રાટ શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારોને પોતાના દરબારમાં બોલાવતો હતો અને મહેફિલો યોજતો હતો.

એક દિવસ તેણે પોતાના પ્રધાનને બોલાવીને કહ્યું આપણા રાજ્યમાં શ્રેષ્ઠ સંગીતજ્ઞ કોણ છે જેનું સંગીત સાંભળવાની આપણને તક મળી નથી.

પ્રધાને કહ્યું: હજૂર આપણા રાજ્યમાં એક સંગીતજ્ઞ છે જેનું વીણાવાદન મંત્રમુગ્ધ કરે એવું છે પણ તે મનમોજી છે.

રાજાએ હુકમ કર્યો એ વીણાવાદકને દરબારમાં બોલાવો, અમે તેનું સંગીત માણવા ઈચ્છીએ છીએ.

પ્રધાને કહ્યું: તે એમ નહીં આવે. રાજાએ કહ્યું: તેને પકડીને લાવો, અમારો હુકમ છે તે કેમ ન આવે?

પ્રધાને કહ્યું: તેને પકડીને લાવવામાં આવશે તો એ આપના હુકમથી વીણા જરૂર વગાડશે, પણ તેમાં પ્રાણ નહીં હોય. આ તેનું અસલી સંગીત નહીં હોય.

સમ્રાટે કહ્યું: તો બીજો કોઈ ઉપાય બતાવો. હવે હું તેનું સંગીત સાંભળવા આતુર છું. પ્રધાને કહ્યું: એક ઉપાય છે. તે અહીં નહીં આવે આપણે તેની પાસે જવું પડશે.

સમ્રાટે કહ્યું: કશો વાંધો નહીં એમાં શું ફરક છે? એ અહીં આવે કે આપણે ત્યાં જઈએ.

પ્રધાને કહ્યું: એમાં ઘણો ફરક છે. આપણે બધા ચહેરાઓને ઉતારીને જવું પડશે અને નમ્રતા ધારણ કરવી પડશે.

સમ્રાટ જવા માટે તૈયાર થઈ ગયો. પ્રધાને કહ્યું: મહારાજ, આમ નહીં જઈ શકાય. તમારે આ કીમતી વસ્ત્રો ઉતારીને સાદાં વસ્ત્રો ધારણ કરવાં પડશે. એક સામાન્ય માણસની જેમ તેના ઘેર જવું પડશે.

સમ્રાટે કહ્યું: આ વસ્ત્રો કઈ રીતે બાધારૂપ છે? આપણે તો તેનું સંગીત સાંભળવું છે. પ્રધાને કહ્યું: આપ ત્યાં સમ્રાટ બનીને રહેશો તો જે સંગીત તમારે સાંભળવું છે તે નહીં સાંભળી શકો. જીવનમાં જે કાંઈ મહત્ત્વનું છે તે સમ્રાટ બનીને નહીં પણ યાચક બનીને મેળવવું પડે છે. સમ્રાટના પોશાકમાં આપ હાથ નહીં ફેલાવી શકો કે તેના આંગણે ધૂળમાં નહીં બેસી શકો.

સમ્રાટે સાદાં વસ્ત્રો ધારણ કર્યાં અને તેઓ તેના દ્વાર પર પહોંચી ગયા. સમ્રાટના એક દરબારી પાસે વીણા હતી. તેણે વીણાનું વાદન શરૂ કર્યું. તે કાંઈ બહુ જાણકાર નહોતો. આવું બેસરું વીણાવાદન સાંભળીને સંગીતજ્ઞ બારણું ખોલીને બહાર આવ્યો અને કહ્યું: મિત્ર, આ કાંઈ વીણાવાદન છે? સાદા વસ્ત્રમાં રહેલા દરબારીએ કહ્યું; તો આપ જ કહો વીણાવાદન કેવું હોય? સંગીતજ્ઞ ઘરમાંથી વીણા ઉપાડીને લાવ્યો અને બધાને આંગણામાં બેસાડીને વીણા વગાડવાનું શરૂ કર્યું. તેના સૂરોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. સમ્રાટ તો મંત્ર મુગ્ધ થઈ ગયો.

વીણાવાદન પૂરું થયા પછી તેણે કહ્યું: હું સમ્રાટ છું. હું આપનું સંગીત સાંભળવા અહીં આવ્યો હતો. અને હવે મને લાગે છે કે મેં કાંઈક મેળવ્યું છે.

સંગીતજ્ઞે કહ્યું: આપ સમ્રાટ તરીકે આવ્યા હોત તો કદાચ આ વીણાના સૂરો અલગ હોત અને આપ અવસર ચૂકી જાત.

દરેક માણસને કાંઈકને કાંઈક અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, તો કોઈને પ્રતિષ્ઠાનો. આ અહંકાર તેને શ્રેષ્ઠ પાસે જેવા દેતો નથી. તે તો એમ જ માને છે કે બધા એની પાસે આવે, તેની ખુશામત કરે. કહેવાતા શ્રીમંત પ્રતિષ્ઠિત માણસો ગમે તેવું સારું પ્રવચન હોય કે ગીત-સંગીતનો કાર્યક્રમ હોય તેઓ લોકોની વચ્ચે બેસીને તેને માણી શકતા નથી. તેઓને આમંત્રણ અને આગ્રહ હોય, આગળની ખુરશીમાં બેસવા મળવાનું હોય તે સિવાય તેઓ કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અને હાજર રહ્યા પછી પણ તેમનું ધ્યાન આ કાર્યક્રમમાં હોતું નથી, પરંતુ તેના કરતાં બીજા કોને વધુ માન મળ્યું, આયોજકોએ તેમના પર કેમ વધુ ધ્યાન ન આપ્યું. એ બધી બાબતો અને તેમનો અહંકાર તેમને સારું સાંભળવા અને માણવા દેતો નથી. ગમે તેવો સુંદર અને મનને ભીંજવી દે તેવો સંગીતનો જલસો હોય પણ તેઓ કોરા રહી જાય છે અને કાંઈક ને કાંઈક અહંકારનો ફુગ્ગો ફુલાવીને પાછા ફરે છે. તેઓ સામાન્ય માણસ બની શકતા નથી અને જીવનનો મોટો લહાવો ગુમાવે છે.

જીવનમાં કાંઈ પણ સારું પ્રાપ્ત કરવું હોય તો અહંકારને ઓગાળવો પડે. મારા જેવું કોઈ નથી, હું બધું જાણું છું એવા ભાવે જઈએ તો કશું હાથમાં આવે નહીં. એક અદના માણસ તરીકે પોતાને ગણીએ અને નમ્રતાનો ભાવ આવે તો સારી વસ્તુને શોધી શકાય. સારાને હંમેશાં શોધવું પડે છે, ખરાબ એની મેળે આવી જાય છે.

પરમાત્માના દ્વાર પર પણ આપણે આવી રીતે જવું પડે. મંદિરમાં બધા ચહેરાઓને ઉતારી દેવા પડે. માત્ર નમ્રતાનો ચહેરો ધારણ કરવો જોઈએ તો જ પ્રભુનાં દર્શન થઈ શકે. પ્રભુ આપણી સન્મુખ છે, પરંતુ માન, અભિમાન અને અહંકારનાં પડળો આમાં બાધારૂપ છે. શોધ્યા વગર પ્રભુ પણ મળે નહીં. નમ્રતા, સરળતા, સહજતા અને મન સાફ હોય તો પ્રભુની શોધ ગહન બની જાય. પછી જ્યાં જુઓ ત્યાં પરમાત્મા નજરે પડે છે. પ્રભુ કોઈ પણ સ્વરૂપે આપણી પાસે આવી જાય. પ્રભુને સ્વાગત કરવા માટે ખુલ્લું દિલ અને પ્રેમ અને આનંદસભર હૃદય જોઈએ.

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો કૃષ્ણની મદદ માટે ગયા. કૃષ્ણ સૂતા હતા. તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવાની હતી. કૌરવના પ્રતિનિધિ દુર્યોધને મસ્તક પાસે સ્થાન ગ્રહણ કર્યું અને પાંડવોના પ્રતિનિધિ અર્જુને પગ પાસે બેઠક લીધી. દુર્યોધન પગ પાસે બેસી શકે નહીં. આ મસ્તક પાસે બેસવાનું અને પગ પાસે બેસવાનું ઘણું સૂચક છે. આમાં દુર્યોધનનો અહંકાર હતો અને અર્જુનની નમ્રતા હતી. જ્યાં નમ્રતા હોય ત્યાં પ્રભુ સમીપ હોય છે. કૃષ્ણની આંખો ખૂલી તો પ્રથમ નજર અર્જુન પર પડી. પસંદગીની વાત આવી તો એક બાજુ કૃષ્ણ હતા અને બીજી બાજુ તેમની આખી સેના હતી. દુર્યોધને સેનાને પસંદ કરી અને અર્જુને કૃષ્ણની પસંદગી કરી એમાં પણ નમ્રતા અને સમર્પણભાવ હતો.

જે માણસો અક્કડ બનીને રહે છે તેઓ જીવનના ખેલમાં હારી જાય છે. વાવાઝોડામાં અક્કડ બનીને ઊભાં રહેલાં વૃક્ષો ઊથલી પડે છે, જ્યારે નાનાં તરણાઓ વાંકા વળીને નમી જાય છે અને વાવાઝોડું તેના પરથી પસાર થઈ જાય છે અને તેઓ પાછાં બેઠાં થઈ જાય છે. વાવાઝોડું તેમને પરેશાન કરી શકતું નથી. હું કાંઈક છું, મારા જેવું બીજું કોઈ નથી. મને કોઈ પરાજિત કરી શકે નહીં એ માણસનો અહંકાર છે. જેમનામાં સંયમ અને સંતુલન નથી તેઓ જીવનની આ તંગ દોર પર ગબડી પડે છે.

જીવનમાં સંતુલન રાખવા માટે મહાવીરે એક માર્ગ બતાવ્યો છે, તે છે સમ્યક માર્ગ. જીવનમાં કાંઈ વધુ નહીં, કાંઈ ઓછું નહીં. સમ્યક એટલે મધ્યમાં રહેવું. કોઈ પણ અતિ પર જતાં અટકવું. કોઈ પણ વસ્તુ અતિ સારી નથી. બધી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો.

જીવનમાં બધું જ છે. ભલાઈ છે, બૂરાઈ છે, સારું છે, ખરાબ છે, સુખ છે, દુ:ખ છે, પ્રેમ છે, નફરત છે. માણસે આ બધા દ્વંદ્વો વચ્ચે પસંદગી કરવાની છે.

જીવનમાં હાર-જીત, સફળતા-નિષ્ફળતા, ચડાવ-ઉતરાવ આવવાના છે. એકલી જીતથી કાંઈ જીવન નથી બનતું. એકલું સુખ મળે તો પણ માણસ થાકી જશે. દુ:ખ છે એટલે જ સુખની કિંમત છે. જીવનમાં કોઈ પણ માણસ સંપૂર્ણ નથી. માનવમાત્ર અધૂરા. જીવનમાં થોડી મીઠાશ અને થોડી ખટાશ જરૂરી છે. ખટાશ એ મીઠાશનું પ્રથમ ચરણ છે. ફળ કાચું હોય ત્યારે ખાટું હોય છે. પાકે છે ત્યારે મીઠું બની જાય છે. જીવનમાં સફળતા માટે પણ પ્રયાસો સાથે ધીરજ અને પ્રતીક્ષાની જરૂર છે.

સફળતાની સાથે માણસ નમ્ર ન બને તો તેનું કોઈ મૂલ્ય રહેતું નથી. સફળતા સાથે સાવધાની ન રહે તો જયને પરાજયમાં પલટાતાં વાર લાગતી નથી. માણસે આ અંગેની કસોટીમાંથી પસાર થવું પડે છે. આ અંગે કુતુબ ‘આઝાદ’ની એક રચના જોઈએ...

સાગર જો થવું હોય તો છલકાઈ જવું પડશે

ખારાશ ભરી હૈયે હરખાઈ જવું પડશે

અજવાળું થઈ જગમાં ફેલાઈ જવું હોય તો

સૂરજ થઈ અગ્નિમાં શેકાઈ જવું પડશે.

થાવું હશે જખ્મોને અળગા જો જિગરમાંથી

આંસુ થઈ આંખોથી રેલાઈ જવું પડશે

લેવું હશે સોનાને જો રૂપ ઘરેણાંનું

તો તાર થઈ પહેલાં ખેંચાઈ જવું પડશે

‘આઝાદ’ મોહબ્બતમાં એક એવો નિયમ પણ છે

કંઈ પામવા ચાહો તો ખોવાઈ જવું પડશે.

મીઠા સબ સે બોલીએ, તજીએ વચન કઠોર --- મહેન્દ્ર પુનાતર

કટુ વાણી માણસને વીંંધી નાખે છે. શબ્દોના ઘા જલદીથી રુઝાતા નથી. વાણી સંબંધોને જોડે છે અને તોડે પણ છે. શબ્દો તીર જેવા છે, એક વખત છૂટ્યા પછી પાછા ખેંચી શકાતા નથી

મીઠા સબ સે બોલીએ

સુખ ઊપજે ચહુ ઔર

વશીકરણ યહ મંત્ર હૈ

તજીએ વચન કઠોર

ઐસિ બાની બોલીએ 

મનકા આપા ખોય, 

ઔરન કો શીતલ કરે

આપ હી શીતલ હોય 

શબ્દ બરાબર ધન નહીં

જો કોઈ જાને બોલ

હીરા તો દામેં મિલે

શબ્દકા મોલ ન તોલ

કાગા કિસકા ધન હરા

કોયલ કિસકો દેત

મીઠા શબ્દ સુનાય કે

જગ અપના કર લેત 

કબીર સાહેબ કહે છે બધાની સાથે પ્રેમથી અને મીઠાશથી બોલો. એનાથી ચોમેર સુખનું વાતાવરણ ઊભું થશે. કઠોર વચનનો ત્યાગ કરીને પ્રેમથી સૌને જીતી લો. મીઠી વાણી બીજાને વશમાં રાખવાનો મંત્ર છે. વાણી એવી નહીં હોવી જોઈએ જેમાં અહંકાર વ્યક્ત થતો હોય. જે લોકો મધુર વાણી દ્વારા બીજાને શાતા આપે છે તેને એવી જ ઠંડક અને શાતા પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ તેમના દોહામાં કહે છે શબ્દો જેવું કોઈ ધન નથી પણ આ વાત એ જ લોકો જાણી શકે જેમને શબ્દોની અને વચનોની કિંમત હોય. ધન હોય તો હીરા મળી શકે પણ શબ્દોની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે. શબ્દો અને વાણી માણસના જીવનને પરિવર્તિત કરી નાખે છે. શબ્દો માણસોને જોડે છે અને તોડે છે. એક કટુ વચન સંબંધોને વેરણછેરણ કરી નાખે છે. કઠોર વચનો કદી ભુલાતા નથી. કાગડા અને કોયલમાં રૂપ રંગમાં કોઈ ફરક નથી. ફરક માત્ર એટલો છે કાગડાની વાણી કર્કશ છે અને કોયલની વાણી મીઠી છે. મધુર અવાજથી કોયલ પ્રિય બની છે તેનો ટહુકો સાંભળવો ગમે છે. શબ્દોમાં મીઠાશ અને વાણીમાં મધુરતા હોય તો આ જગત તમારું છે.

કબીર સાહેબે થોડા શબ્દોમાં ઘણું કહી દીધું છે. માણસ પ્રેમ, સ્નેહ અને આ લાગણીના સંબંધોથી રંગાયેલો છે. ક્યાંય ને ક્યાંય સંવેદના પ્રગટે છે અને શબ્દો દ્વારા તે બહાર આવે છે. કુટુંબ અને સમાજમાં માણસ પરસ્પર સંબંધોથી સંકળાયેલો છે. મધુર વાણી દ્વારા સંબંધો વધુ સરળ બને છે. જીવન અને વહેવારમાં આપણે જો બોલવામાં ધ્યાન રાખીએ તો સંભવિત ઘર્ષણોને નિવારી શકાય. 

કેટલાક માણસો ગમે ત્યારે, ગમે ત્યાં અને ગમે તેવું બોલી નાખે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. કટુ વાણી માણસને વીંધી નાખે છે. માણસનું સ્વમાન ઘવાય છે અને ઘા લાંબા સમય સુધી રૂઝાતા નથી. વાચા એ માણસને મળેલી અમૂલ્ય ભેટ છે. તેનો જો યોગ્ય ઉપયોગ થાય તો તે સંબંધોને ટકાવી રાખે છે અને દુરુપયોગ થાય તો સંબંધોનો વિચ્છેદ કરે છે. 

આપણી આસપાસ એવા કેટલાય માણસો હોય છે જેઓ કામ ઓછું કરે છે પણ બોલે છે વધુ. તેમના હાથ કરતા તેમની જીભ વધુ ચાલે છે. તેઓ ગમે ત્યાં આડું અવળું બોલ્યા કરે છે. તેઓ બીજાની વાત સાંભળતા નથી અને બીજાને બોલવાનો મોકો આપતા નથી. તેમની જીભ કરવત જેવી હોય છે. ગમે તેને વેતરી નાખે છે. તેઓ સામા માણસને ગમશે નહીં, ખોટું લાગશે તેનો કદી વિચાર કરતા નથી અને બોલવામાં બફાટ કરી નાખે છે. આવા માણસોને કોઈ વતાવતું નથી. બધા તેનાથી દૂર ભાગે છે. ધર્મમાં મન, વચન અને કાર્યથી કોઈનું અહિત ન કરવું એવો સ્પષ્ટ આદેશ છે. આમાં વચનોનું અદકેરું મહત્ત્વ છે. શબ્દો બાણ જેવા છે એક વખત છૂટ્યા પછી તેને પાછા ખેંચી શકાતા નથી. 

મન, મોતી અને કાચ એક વખત તૂટે પછી પાછા સાંધી શકાતા નથી. માણસે સમજી વિચારીને બોલવું જોઈએ. કાંઈ પણ કહેવાનું હોય ત્યારે ભાષામાં વિનય અને વિવેક હોવો જોઈએ. જીભથી સ્થૂળ અને સૂક્ષ્મ હિંસા રોજબરોજ થતી હોય છે. આ શબ્દ હિંસાને રોકવી જોઈએ. શબ્દોમાં પણ ભાવ ન હોય તો તે ખોખલા બની જાય. કોઈને પણ આપણે આવકારીએ કે તેનું સ્વાગત કરીએ ત્યારે શબ્દોમાં મીઠાશ સાથે ભાવ પણ હોવો જોઈએ. પરાણે પરાણે ‘આવો પધારો’ એવા શબ્દો નીકળે ત્યારે એમાં બરકત રહે નહીં. માણસના શબ્દોમાં રણકાર અને તેના ચહેરા પરના ભાવો પરથી તેનું મન કળી શકાય. 

દરેક માણસમાં ઓછે વધતે અંશે થોડો અહમ્ અને અહંકાર હોય છે. કોઈને ધનનો, કોઈને પદનો, કોઈને સત્તાનો તો કોઈ વિદ્રતાનો નશો ચડેલો હોય છે. માણસનો અહમ્ ઘવાય છે ત્યારે વાણી દ્વારા પ્રગટ થાય છે. માણસો વાગબાણથી એકબીજાને છેદતા રહે છે. મહેણાં-ટોણાં, આડકતરા કટાક્ષો અને કડવી વાણી દ્વારા એકબીજાની માનહાનિનો દોર ચાલતો રહે છે, પરંતુ આ બધું સરવાળે દુ:ખમાં પરિણમે છે. ભાષામાં સરળતા, સહજતા અને સ્વાભાવિકતા રહેવી જોઈએ. તેમાં દંભ અને દેખાડો લાંબો સમય ટકે નહીં. આપણે મીઠું મીઠું બોલીએ પણ તેની પાછળનો આશય સામા માણસ પાસેથી કામ કઢાવી લેવાનો હોય કે તેને છેતરી લેવાનો હોય તો તે ઠગની ભાષા બની જાય છે. 

કેટલાક માણસો વાતવાતમાં કહેતા હોય છે. આપણને સીધું અને સટ કહેવાની આદત છે. આપણે સાચું હોય તે મોઢે સંભળાવી દઈએ. પણ સાચું શું છે તે તો પહેલા જાણીએ. આપણે કહીએ તે સાચું અને બીજા કહે તે ખોટું એમ આપણે જો માનીએ તો તે આપણો અહંકાર છે. સત્ય કડવું છે એ ભલે સાચું હોય પણ પરસ્પરના વહેવારમાં વાણી દ્વારા સત્યને મધુર બનાવી શકાય છે. આપણે કઈ રીતે કહીએ છીએ તેના પર આનો આધાર છે. વાણી માત્ર વિલાસ ન બને અને સાચા અર્થમાં વૈભવ બને તો પ્રેમનાં પુષ્પો ખીલ્યાં વગર રહે નહીં. 

આખો દિવસ બકબક કરતા માણસોનો પણ તોટો નથી. તેઓ એક વખત બોલવાનું શરૂ કરે પછી તેમને અટકાવી શકાતા નથી. મહાન તત્ત્વજ્ઞાની એરિસ્ટોટલ પાસે એક યુવાન વકતૃત્વ કળા શીખવા માટે આવ્યો. તેણે કહ્યું મારે સારું બોલતા શીખવું છે. મારે વકતૃત્વ કળામાં પારંગત બનવું છે. આમ કહીને તેણે પોતાનો આખો ઈતિહાસ સંભળાવી દીધો. 

એરિસ્ટોટલે તેને અટકાવીને કહ્યું: તને આ માટે વધુ સમય લાગશે અને તારે બમણી ફી ચૂકવવી પડશે. 

યુવકે કહ્યું: કેમ હું બોલવામાં કાચો છું. એરિસ્ટોટલે કહ્યું, બિલકુલ નહીં. મારે તને વકતૃત્વકળા શીખવતા પહેલા ચૂપ રહેવાનું શીખવવું પડશે. બોલવાનું સહેલું છે પણ ચૂપ રહેવાનું મુશ્કેલ છે. 

બોલવામાં ઉગ્રતા, આક્રમકતા કે ગરમ મિજાજ રાખવો નહીં. શાંતિ અને ધીરજથી આપણી વાત સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. સામા માણસની વાત ધ્યાનપૂર્વક સાંભળીને પછી જ પોતાનું મંતવ્ય વ્યક્ત કરવું જોઈએ. દરેક માણસને પોતાના વિચારો અને ખ્યાલો છે. મતભેદ ભલે હોય પણ મનભેદ થવો જોઈએ નહીં. વાતવાતમાં ગુસ્સે થવાથી તેનું સારું પરિણામ આવે નહીં અને વાતાવરણ તંગ બને. કેટલાક માણસોનો સ્વભાવ જ એવો હોય છે તેઓ ધીમેથી શાંતિથી વાત કરી શકતા નથી. કોઈની વાત પૂરી ન થાય ત્યાં તેઓ જોરશોરથી કૂદી પડે છે અને ન કહેવાનું સંભળાવી દે છે. આવા માણસો પોતાનો બળાપો વ્યક્ત કરવાનો મોકો શોધતા હોય છે. કેટલાક માણસો વધુ પડતા ઢીલા હોય છે. તેમને વાતવાતમાં ખોટું લાગી જાય છે. તેઓ ભળતી પાઘડી પહેરી લે છે અને વાતનું વતેસર કરે છે. તેઓ કોઈ વાત ભૂલતા નથી અને અંદરને અંદર સળગતા રહે છે. 

ઘણી વ્યક્તિઓ પૂર્વગ્રહથી પીડાતી હોય છે. કોઈ સારું બોલે તો પણ તેમને આડું લાગે છે. સંબંધોમાં જેટલી નિખાલસતા હોય તેટલું વધુ સારું ગેરસમજ થવાનો ભય ઓછો રહે. વર્તન અને વહેવાર બંને ચોખ્ખા હોવા જોઈએ. 

આપણે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છીએ તેવું વર્તન આપણે દાખવવું જોઈએ. કોઈ સામે વાંધો પડ્યો હોય અથવા ગેરસમજ થઈ હોય તો જલદીથી સ્પષ્ટતા કરી લેવી જોઈએ. વિલંબ થાય તો વાત વધીને મોટી થઈ જશે. પાછળથી વાત કહેવી નહીં, બીજા સમક્ષ ઊભરો ઠાલવવો નહીં. કેટલાક માણસો બંને બાજુ ઢોલકી વગાડતા હોય છે. તેઓ તમને આમ કહેશે અને તમારી સાથે વાંધો પડ્યો હોય તેને કાંઈક જુદું કહેશે. આવા લોકો મીઠું-મરચું ભભરાવીને વાતને વધારતા હોય છે. બીજાને લડાવી મારવામાં તેમને આનંદ થતો હોય છે. 

કોઈને કાંઈ કહેવું હોય, ઠપકો આપવો હોય તો બીજાની હાજરીમાં તેમ કરવું નહીં. બીજાની હાજરીમાં ટીકા થાય છે ત્યારે માણસ સહન કરી શકતો નથી, તેનું સ્વમાન ઘવાય છે. કોઈની પણ હાજરી ન હોય ત્યારે પ્રેમપૂર્વક વાત કરીને ખુલાસો કરી નાખવો જેથી વધુ ગેરસમજ થતી અટકી જાય.

દરેક માણસનો સ્વભાવ સરખો હોતો નથી. તેની બીજા કોઈ સાથે સરખામણી કરવી નહીં. તમારા કરતાં તો બીજા સારા એમ કહીને આપણે તે વ્યક્તિને દુ:ખ પહોંચાડીએ છીએ. કટુ વચન ઉચ્ચારતા પહેલા તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. દ્રોપદીએ ‘આંધળાના પુત્ર આંધળા’ એવી કડવી વાણી ઉચ્ચારી ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ થયું ન હોત. 

આપણી ક્યાંય બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માટે પણ વિલંબ કરવો નહીં. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને.’ પશ્ર્ચાતાપનું પુનિત ઝરણું જ્યારે દિલમાંથી વહેવા માંડે ત્યારે કોઈના પ્રત્યે કશું વેરઝેર રહેતું નથી.

ગમે તેટલું સારું બોલીએ પણ દાનત ખરાબ હોય તો ‘મુખ મેં રામ બગલ મેં છૂરી’ જેવું થાય. પ્રેમની ભાષામાં શબ્દો કરતાં ભાવનું વધુ મહત્ત્વ છે. ભાવ વગરની ભાષા અધૂરી છે. પ્રેમ અને ભાવ હોય ત્યાં ભાષા કલકલ વહેતાં ઝરણા જેવી બની જાય.