Monday, January 26, 2015

પ્રેમ અને ધર્મને એકબીજાની સામે પલડામાં કેમ મુકાય છે? -- કાજલ ઓઝા વૈદ્ય

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=152553

કથા કોલાજ - કાજલ ઓઝા વૈદ્ય


નામ : પ્રવીણાકુમારી ‘મસ્તાની’

સ્થળ : પુના, શનિવારવાડા

સમય : એપ્રિલ, ૧૭૪૦

ઉંમર : મરવાને યોગ્ય તો નહીં જ...



બાજીરાવે મને આપેલી હીરાની અંગૂઠી હાથમાં પકડીને બેઠી છું. કોણ જાણે કેમ, આ દુનિયા અચાનક જ જીવવા જેવી નથી રહી. હું સમજી નથી શક્તી કે બાજીરાવ આવી રીતે અચાનક મને મૂકીને જઈ જ કેવી રીતે શક્યા? મારે માટે બાજીરાવ સિવાય આ દુનિયામાં છે શું, હતું ય શું... મારા પિતા મહારાજા છત્રસાલ માઉ સહાનિયા અને બુંદેલખંડના રાજા... એમની આણ વર્તે. ચારેય તરફ દુશ્મનોની નજર માઉ ઉપર હતી. એ જ વખતે અમારા જ મહેલમાં મહોમ્મદ ખાન બંગાશે અલ્હાબાદથી હુમલો કરી દીધો. અમને સહપરિવાર અમારા જ મહેલમાં નજરકેદ પકડી લીધા...

આજે પણ એ વાત યાદ કરું છું તો કંપારી છૂટી જાય છે. એમના મુસલમાન સૈનિકો અમને જે રીતે જોતા, અમારા શરીરને જે રીતે અડતા, બાંધેલી હાલતમાં પણ મારા પિતાનું લોહી ઊકળી ઊઠતું, જોકે એ બિચારા કંઈ કરી શક્તા નહીં. એક બંદી રાજવી શું કરી શકે? બંગાશે રાજમહેલ લૂંટ્યો, એટલું ઓછું હોય એમ મારી સાથે લગ્ન કરવાની જીદ કરી. મારા પિતા ડરી ગયા. એમણે પેશ્ર્વા બાજીરાવને સંદેશો મોકલ્યો. બાજીરાવ શાહુજીની સેનામાં પંતપ્રધાન હતા. શાહુજીની એમના પર મીઠી નજર હતી. શિવાજીના દીકરા શંભાજીના પુત્ર શાહુજીને બાજીરાવ માટે અતૂટ વિશ્ર્વાસ હતો. મારા પિતાએ એમના ગુપ્તચર દ્વારા બાજીરાવને સંદેશો મોકલ્યો. બાજીરાવ એમના ભાઈ ચીમનાજી સાથે પોતાનો રસાલો લઈને આવી પહોંચ્યા અને મને ઉગારી... ‘મને’ એટલા માટે કહું છું કે, બાજીરાવના સન્માનમાં યોજાયેલા એ સમારંભમાં એમનો કડપ, એમની વીરતા, એમની પેશ્ર્વાઈ અને એમનો દેખાવ જોઈને હું તો મારી જાતને એમને અર્પણ કરી ચૂકી હતી.

મેં મારા પિતાને કહ્યું, "તમે એમને આપણને બચાવવાના બદલામાં શું આપવાના છો ? મારા પિતાએ કહ્યું, "એક રાજાને છાજે તેવું સન્માન. હું સમજી ન શકી... મારા પિતાએ એમને રાજ્યનો ત્રીજો ભાગ આપ્યો, જેમાં ઝાંસી, સાગર અને કલ્પીનો સમાવેશ થતો હતો. તેંત્રીસ લાખ સોનાના સિક્કાની સાથે હાથી, ઘોડા અને બીજી કેટલીયે ભેટો આપી. હું મારા પિતા તરફ જોઈ રહી હતી. અંતે એમણે અત્યંત હર્ષપૂર્વક કહ્યું, "આ બધા ઉપરાંત હું તમને મારા જામાતા બનાવવા માગું છું, અલબત્ત જો તમને વિરોધ ના હોય તો. હું એ સભામાં નૃત્ય કરી રહી હતી. મારું નૃત્ય પૂરું થતાં જ બાજીરાવે કહ્યું, "આનું નામ તો મસ્તાની હોવું જોઈએ...

હું જાણતી હતી કે ચિત્તપાવન બ્રાહ્મણનો દીકરો એક મુસલમાન માની દીકરીને આસાનીથી સ્વીકારી નહીં શકે. એક બ્રાહ્મણ ઉપરાંત પેશ્ર્વા તો લોકોની નજરમાં તો લગભગ ભગવાનની કક્ષાએ પહોંચેલા રાજવી હતા. મારા પિતાએ મારા મનની વાત કરી હતી. હું એમને વરી ચૂકી હતી, ને પેશ્ર્વા બાજીરાવ મને જોઈને મોહિત થયા હતા એટલું તો મને સમજાતું હતું... હું એમના ઉત્તરની પ્રતીક્ષા કરી રહી હતી - અધર શ્ર્વાસે ! એમના ભાઈ ચીમનાજી રાવ ઊભા થઈને મને પગે લાગ્યા. મને સમજાયું નહીં, પણ મારા પિતાની આંખમાં પાણી આવી ગયાં, મારી મા ઊભી થઈને એમને પગે લાગી ! મારી મા પર્શિયન મુસ્લિમ હતી. રુહાનીબાઈ એનું નામ. નિઝામના દરબારમાં એને નૃત્ય કરતી જોઈને મારા પિતા રાવ છત્રસાલ એના પર મોહી પડેલા. મારા પિતાને પ્રેમમાં પડેલા જોઈને નિઝામે મારી માને મુક્ત કરી. એમણે એમની એ નૃત્યાંગના રુહાનીબાઈ મારા પિતા રાવ છત્રસાલને ભેટ આપી. જોકે મારા પિતા સાચા હૃદયથી મારી માના પ્રેમમાં પડ્યા હતા એટલે એમણે રુહાનીબાઈ સાથે લગ્ન કરીને એને રાણી બનાવી...

એ સમયના મરાઠાઓ કે બ્રાહ્મણો આને કારણે રાવ છત્રસાલ સામે રોષે ભરાયા હતા. હું યાવની હતી, એક યવન મુસલમાનની દીકરી... પેશ્ર્વા મને પરણશે કે નહીં એ પ્રશ્ર્ન બધા જ દરબારીઓના મનમાં ઘોળાઈ રહ્યો હતો ત્યારે ચીમનારાવ મને પગે લાગ્યા એનાથી સૌ સમજ્યા કે એમણે મને સ્વીકારી હતી.

ત્યાંથી લગ્ન કરીને બાજીરાવ મને એમના ગામ લઈ ગયા... બંડાની જાગીર ખૂબ સુંદર જગ્યા હતી, પણ મને ત્યાં દાખલ થવા દેવામાં આવી નહીં. મને હતું કે પેશ્ર્વાનાં પહેલાં પત્ની કાશીબાઈ આ લગ્નનો વિરોધ કરશે, મારું અપમાન કરશે, ગામલોકો સામે તાયફો કરશે અને મને ત્રાસ આપશે... પણ કાશીબાઈએ તો મને નાની બહેનની જેમ સ્વીકારી. ખૂબ જ વહાલ કર્યું અને પોતાની સાથે રહેવાની મંજૂરી આપી. કાશીબાઈ સાચે જ ધર્મપરાયણ અને પતિપરાયણ ી હતી. એણે કોઈ દિવસ મારું અપમાન કર્યું નથી, પરંતુ પેશ્ર્વા બાજીરાવનાં માતા રાધાબાઈ અત્યંત અંધવિશ્ર્વાસુ અને વિચિત્ર પ્રકારની માનસિક્તા ધરાવતાં હતાં. એમને લાગ્યું કે એમના પુત્રએ મારી સાથે લગ્ન કરીને પોતાનું કુળ અને ધર્મ બોળ્યો હતો. મારાં સાસુજી રાધાબાઈએ મને ઘરમાં પ્રવેશવા ના દીધી. પોતાનો સામાન બાંધ્યો અને કહ્યું, "હું પંઢરપુર યાત્રાએ જાઉં છું. પાછી ફરું ત્યાં સુધીમાં આની વ્યવસ્થા કરી નાખજે. મારા ઘરમાં નાચનારીની દીકરી પગ પણ નહીં મૂકી શકે. હું સાવ દીનદશામાં રસ્તાની વચ્ચે ઊભી હતી.

કાશીબાઈએ આ વાતનો રસ્તો કર્યો. બાજીરાવના મહેલમાં મારે માટે જગ્યા નહોતી એ વાત સાચી, પરંતુ એમના હૃદયમાં તો હતી ને ! એમણે શનિવારવાડામાં મારે માટે નવો મહેલ ઊભો કર્યો. મારે માટે બંધાયેલો આ મહેલ મસ્તાની મહેલ તરીકે ઓળખાવા લાગ્યો. પતિના સુખમાં જ સુખ જોનારી એ માતા સમી સ્ત્રી કાશીબાઈ અમારી સાથે આવીને રહ્યાં... અમે બંનેએ લગભગ સાથે જ ગર્ભધારણ કર્યો... કાશીબાઈનું સંતાન જન્મ સાથે જ મૃત્યુ પામ્યું ને મારો દીકરો સમશેર બહાદુર ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આટલે દૂર રહીને પણ સાસુજી રાધાબાઈ રાજકારણની ખટપટોમાં વ્યસ્ત રહેતાં. કર્મકાંડી બ્રાહ્મણો અને પૈસા પડાવનારા લોકો રાધાબાઈની નબળાઈ જાણતા હતા, એટલે એ લોકો અમારા ગૃહકલેશને વધુ ને વધુ ભડકાવતા. ચીમનારાવ સાચે જ લક્ષ્મણ જેવો ભાઈ હતો. એણે ક્યારેય બાજીરાવના નિર્ણય સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઉઠાવ્યો નથી. સાસુજી રાધાબાઈ જે માનતા હોય તે, પણ શનિવારવાડાના મસ્તાની મહેલમાં અમે સૌ ખૂબ સુખેથી રહેતા હતા.

એવામાં એક દિવસ બાજીરાવને શાહુજીનું તેડું આવ્યું. રાજકાજનાં કામોમાં આવું તેડું કંઈ બહુ આશ્ર્ચર્યજનક ન લાગે, પણ કોણ જાણે કેમ, બાજીરાવે મને મહેલની અગાશીમાં બોલાવી. મારી સાથે બેઠા. બહુ જ વાર સુધી વિચારોમાં ગરકાવ રહીને એમણે ધીમે રહીને કહ્યું, "કોણ જાણે કેમ, મને એમ લાગે છે કે કંઈક અમંગળ થવાનું છે. હું ન હોઉં અથવા મને કંઈ થાય તો કાશીબાઈ તારી જવાબદારી છે એટલું યાદ રાખજે. મને રડવું આવી ગયું. મેં એમને કહ્યું, "હું તો તમારે માટે જ જીવું છું. તમે નહીં હો કે તમને કંઈ થાય તો હું જીવીશ એવું તમને લાગે છે ? એ મારી સામે જોઈ રહ્યા. એમની આંખોમાં કંઈક એવું હતું, જેનો હું સામનો કરી શકી નહીં. મેં આંખો મીંચી દીધી ને મારા ગાલ પર આંસુઓની ધાર કેટલાય કલાકો સુધી વરસતી રહી.

બાજીરાવ ગયા એના બીજા દિવસે મને લેવા માટે થોડા લોકો આવ્યા. મારાં સંતાનોને બાનમાં લીધાં ને મારું અપહરણ કર્યું. હું જાણતી હતી કે એમાં રાધાબાઈનો હાથ હતો. ચીમનાજી અને બાજીરાવ બંને ન હોય એવા સમયનો મારાં સાસુજીએ ગેરલાભ ઉઠાવ્યો હતો. મને ઉપાડીને એ લોકોએ લગભગ પચાસ ગાઉં દૂર એક નાનકડા અવાવરું મકાનમાં પૂરી દીધી. કડક ચોકીપહેરા નીચે મને અને મારાં સંતાનોને અલગ રખાયાં હતાં. હું મારાં બાળકો વિના ભાગી નહીં શકું એવી એમને ખબર હતી. એમની વાતો પરથી હું સમજી ગઈ કે આ રાધાબાઈનું જ કારસ્તાન છે. મેં બચવાના બહુ ફાંફા માર્યા, પણ કંઈ થઈ શક્યું નહીં.

બીજી તરફ શાહુજીએ પેશ્ર્વા પાસે જવાબ માગ્યો, એક યાવની છોકરી સાથે લગ્ન કરીને એનું કુળ અને ધર્મ બોળ્યા એ વાતે શાહુજી નારાજ હતા. પેશ્ર્વાપદ જાય એમ હતું. બાજીરાવ ઘણા ચાલાક હતા. શાહુજીનું એક ઉપવસ્ત્ર હતું. એ પણ મુસ્લિમ બાઈ હતી. આખોય રાજ્ય કારભાર એના ઇશારે ચાલતો એમ માનવામાં આવતું હતું. બાજીરાવે બુદ્ધિ વાપરીને શાહુજીનાં પ્રિય વીરુબાઈનાં માતુશ્રીને બોલાવ્યા અને પોતાની વાત એમની દીકરી સુધી પહોંચાડી ને બીજે દિવસે સવારે દરબારમાં શાહુજી બદલાયેલા લાગ્યા. પોતાના આવા ભોગવિલાસની વાતો પેશ્ર્વા જાણે છે એ વાતે શાહુજી થોડા નબળા પડ્યા. એમણે પેશ્ર્વાને પોતાનું કામ

બરાબર કરવાનું કહીને કાઢી મૂક્યા...

પણ પેશ્ર્વા પાછા આવ્યા નહીં, એમને ત્યાં જ દરબારમાં જ ખબર પડી કે મારાં સંતાનો સાથે મારું અપહરણ થયું છે. એમણે ચીમનાજીને મને છોડાવવા મોકલ્યો. ચીમનાજી મને લઈને આવતા હતા ત્યાં રસ્તામાં જ અમને પેશ્ર્વા મળ્યા. પતિ-પત્ની એકલા વાતચીત કરી શકે એમ વિચારીને ચીમનાજી અમારા તંબુની બહાર નીકળી ગયા, પણ મેં જોયું કે પેશ્ર્વાની આંખો વારેવારે મીંચાઈ જતી હતી. એમને થાક લાગ્યો હશે એમ માનીને મેં એમને આરામ કરવાનું કહ્યું... પેશ્ર્વા મારા ખોળામાં માથું મૂકીને સૂતા. હું હળવા હાથે એમના વાળમાં આંગળીઓ ફેરવતી હતી.

એમના હોઠના ખૂણે ફીણ આવ્યું. મેં મારી આંગળી ઉપર એ ફીણ લઈને જોયું. મારાથી ચીસ પડાઈ ગઈ, પણ એમના ચહેરા પર સ્મિત હતું. એમણે ધીરેથી મને કહ્યું, "કોઈને કંઈ નહીં કહેતી. આઈનું ખરાબ થાય એ મને ન ગમે. એ ધીમે ધીમે બેહોશ થઈ રહ્યા હતા...

મેં ચીમનાજીને બૂમ પાડીને બોલાવ્યા. એમના હોશ ઊડી ગયા. અમે રસ્તાની વચ્ચે તંબુમાં હતા. વૈદ્યને બોલાવવા માટે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ઘણું પૂછવા છતાં બાજીરાવે ન જ કહ્યું કે એમને ઝેર કોણે આપ્યું હતું.

હજી એમની ચિતા ઠંડી પડી નથી, પરંતુ મારું શરીર ઠંડું પડવા માંડ્યું છે. એમણે આપેલી વીંટીમાંનો હીરો મારા પેટમાં ઊતરી ચૂક્યો છે. એની સાથે જ હીરાની પાછળ લગાડેલું ઝેર પણ મારી હોજરીમાં જઈને પોતાનું કામ કરી રહ્યું છે. મેં કાશીબાઈ પાસે વચન લીધું છે કે એ સમશેર બહાદુરનું ધ્યાન રાખશે. મને કાશીબાઈ પર પૂરો ભરોસો છે...

હું મારા બાજીરાવ પાસે જવા ઉતાવળી થઈ ગઈ છું... એના વિના જીવવાનો કોઈ અર્થ નથી.

No comments:

Post a Comment