Sunday, September 7, 2014

બ્રહ્માંડ દેખાય છે તેના કરતાં પણ વધારે વિચિત્ર છે --- બ્રહ્માંડ દર્શન - ડૉ. જે. જે. રાવલ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=138660

આઈન્સ્ટાઈને એક વાર કહેલું કે બ્રહ્માંડ વિષે ન સમજાય એવી વાત એ છે કે તે સમજાય એવું છે. આ વિધાનને ધ્યાનમાં રાખીને બ્રહ્માંડનું દર્શન કરીએ, બ્રહ્માંડનું અધ્યયન કરીએ તો લાગે કે આઈન્સ્ટાઈને જે કહ્યું છે તે બરાબર છે, કારણ કે હાલ સુધીમાં આપણે બ્રહ્માંડ વિષે ન સમજાય એવી વાતો, ન સમજાય તેવાં રહસ્યો સમજી શક્યા છીએ. દા. ત. આ બ્રહ્માંડ વિશાળ, અતિવિશાળ હોવા છતાં તે દૃશ્ય રીતે સીમિત છે. તે સમજાયું તે બહુ મોટી વાત છે. શા માટે પ્રકાશની ગતિ અવિચલ છે તે સમજાયું તે બહુ મોટી વાત છે. શા માટે પ્રકાશની ગતિ સૌથી વધારે છે તે સમજાયું તે બહુ મોટી વાત છે. શા માટે પ્રકાશની ગતિમાં કોઈ ગતિને ઉમેરીએ કે બાદ કરીએ તો પણ પ્રકાશની ગતિમાં કાંઈ ફેરફાર થતો નથી અને તે તેની તે જ રહે છે. શા માટે ધ્રુવ પ્રદેશો પર છ મહિનાની રાત અને છ મહિનાનો દિવસ થાય છે તે સમજાયું તે બહુ મોટી વાત છે. શા માટે ૨૩.૫ અંશથી ઉત્તરે વધારે અક્ષાંશ પર વસ્તુનો પડછાયો દક્ષિણમાં ન જ પડે. તેવું જ દક્ષિણમાં થાય. વર્ષમાં શા માટે અને ક્યારે અને કેટલીવાર માનવીનો પડછાયો ગાયબ થઈ જાય? શું આવી બાબત પૂરી પૃથ્વી પર બને? સૂર્ય, ગ્રહો, ચંદ્ર, તારાના અંતરોની આપણને ખબર પડી. પ્રકાશના બિન્દુઓ જેવા દેખાતા તારા હકીકતમાં કેટલા મોટા છે તે આપણને સમજાયું. કોઈ પણ નજીકના આકાશપિંડની સાઈઝ કેટલી છે તે જાણી શકાયું. કોઈ પણ આકાશપિંડનું વજન કેટલું છે તે જાણી શકાય છે. કોઈ પણ ગ્રહ પર ક્ષિતિજ આપણાથી કેટલે દૂર છે તે જાણી શકાયું. આમ બ્રહ્માંડ ન સમજાય તેવું લાગતા છતાં પણ આપણે તેનાં કેટલાંય રહસ્યો જાણ્યા છે અને હજુ સુધી બ્રહ્માંડની જે પ્રક્રિયાઓનું રહસ્ય આપણે જાણ્યું નથી તેને ભવિષ્યમાં આપણે જાણી શકીશું તેવી શ્રદ્ધા આપણામાં ઉત્પન્ન થાય છે. માનવીનું શરીર કેવી રીતે કાર્ય કરે છે તે વિષે પણ આપણે ઘણું બધું જાણ્યું છે. એક દિવસ કદાચ બ્રહ્માંડના હજુ સુધી નહીં સમજાયેલાં ગૂઢ રહસ્યો પણ આપણે સમજી શકીશું. આમ આઈન્સ્ટાઈનના વિધાનમાં તથ્ય છે.

વિખ્યાત ભારતીય - બ્રિટિશ જીવવિજ્ઞાનશાસ્ત્રી જે. બી. એસ. હલધને એક વાર કહેલું કે બ્રહ્માંડ જે વિચિત્ર દેખાય છે, તેનાં કરતાં પણ તે વધારે વિચિત્ર છે. તો થાય કે હલધનના આ વિધાનમાં તથ્ય કેટલું? તો શું ખરેખર બ્રહ્માંડ વિચિત્ર દેખાય છે. તેનાં કરતાં પણ તે વધારે વિચિત્ર છે? શું આપણે તેની આ વિચિત્રતાને એક દિવસ જાણી શકશું કે તે આપણા માટે હરહંમેશાં વિચિત્ર જ રહેશે? બ્રહ્માંડ વિચિત્ર શા માટે? અને તે જે વિચિત્ર દેખાય છે તેના કરતાં પણ વધારે વિચિત્ર કેવી રીતે છે? આ બંને મહાન વિજ્ઞાનીઓનાં વિધાનોમાં ખરેખર કેટલો મદાર રાખવો? શું બંને સાચા છે અને બંને ખોટાં છે? શું તેઓ પરસ્પર વિરોધી વાતો કરે છે કે એ પરસ્પર વિરોધીતામાં એકતા સમાયેલી છે? ઉપર ચર્ચા કર્યા પ્રમાણે આઈન્સ્ટાઈનના વિધાનમાં સત્ય જણાય છે. હવે આપણે એ જોવા માગીએ છીએ કે હલધનના વિધાનમાં કેટલું સત્ય સમાયેલું છે?

હડસલીએ એક વાર કહેલું કે માનવીને સર્જીને કુદરતે પોતાને સમજવાની પ્રક્રિયા શરૂ કરી. આ પણ વિચિત્ર વિધાન છે પણ સાચું છે. તે આઈન્સ્ટાઈન અને હલધન બંનેને ટેકો આપે છે. તે આઈન્સ્ટાઈનને એટલા માટે ટેકો આપે છે કે ધીરે ધીરે કુદરતને માનવી સમજી શકશે. આ વિધાન હલધનને એટલા માટે ટેકો આપે છે કે કુદરત પોતે પોતાને જાણવા માટે પોતાના સર્જનની મદદ લે છે. પોતે પોતાને જાણતી નથી. કુદરત પોતાના સર્જનને જાણે છે પણ પોતાને જાણવા માટે તેને પોતાના જ સર્જનની મદદની જરૂર છે. આ એવી વાત થઈ કે માતા-પિતાને પોતાને જાણવા પોતાના બાળકની મદદ લેવાની જરૂર પડે છે ને વિચિત્ર વાત!

આપણે બોરીવલીમાં હોઈએ તો આપણને લાગે કે બોરીવલી જ બ્રહ્માંડનું કેન્દ્ર છે. ગેઈટ વે ઓફ ઈન્ડિયાની નજીક જઈને જોઈએ તો લાગે કે ગેઈટ વે ઓફ ઈન્ડિયા જ બ્રહ્માંડનું કેન્દ્ર છે. આપણે ઊંચા ટાવર પર ચડીને જોઈએ તો લાગે કે આપણે જ વિશ્ર્વના કેન્દ્રમાં છીએ. આપણને વિશ્ર્વના કેન્દ્રમાં હોવાનું ગમે પણ ખરું. આ જોઈને પ્રાચીનો માનતાં કે પૃથ્વી જ વિશ્ર્વના કેન્દ્રમાં છે અને ઉપર ગોળ ગુંબજ આકારનું આકાશ છે. જ્યાં જઈએ ત્યાં આપણને એમ લાગે છે કે આપણે બ્રહ્માંડના કેન્દ્રમાં છીએ. આમ દરેકે દરેક બિન્દુ બ્રહ્માંડનું કેન્દ્ર છે પણ હકીકતમાં કોઈ પણ બિન્દુ બ્રહ્માંડનું કેન્દ્ર નથી. શું આ બ્રહ્માંડની વિચિત્રતા નથી. આ દર્શાવે છે કે બ્રહ્માંડ માટે તમે ખૂબ જ મહત્ત્વના છો, સાથે સાથે આ બાબત એ પણ દર્શાવે છે કે તમે બ્રહ્માંડ માટે કોઈ અગત્યના નથી. આ સમજવું બહુ જરૂરી છે. આ સમજીએ તો આપણા મગજમાં ખાંડ ચઢે નહીં. આ બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુનું, રજકણનું પણ ખૂબ જ મહત્ત્વ છે સાથે સાથે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુનું કાંઈ પણ મહત્ત્વ નથી. છે ને વિચિત્ર વાત.

કુદરતમાં સર્જનનું બીજું નામ વિસર્જન અને વિસર્જનનું બીજું નામ સર્જન. આ પણ કુદરતની એક મહાન વિચિત્રતા જ છે. કુદરત હંમેશાં પરસ્પર વિરોધી પ્રક્રિયાની બનેલી છે. પરસ્પર વિરોધી, પ્રક્રિયા એક જ પ્રક્રિયામાં સામેલ હોય તે કુદરત. આપણે જ્યારે સૂક્ષ્મ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેઠા હોઈએ ત્યારે અંતે આપણે જોઈએ તો વિશાળ બ્રહ્માંડમાં ચાલ્યા ગયા હોઈએ છીએ અને આપણે જ્યારે વિશાળ બ્રહ્માંડનો અભ્યાસ કરવા બેઠા હોઈએ ત્યારે અંતે આપણે જોઈએ તો સૂક્ષ્મ બ્રહ્માંડમાં ચાલ્યા ગયા હોઈએ છીએ. આ જ બ્રહ્માંડની મોટી વિચિત્રતા છે સૂક્ષ્મ બ્રહ્માંડ અને વિશાળ બ્રહ્માંડ અલગ અલગ નથી. માટે જ વિશાળ બ્રહ્માંડ તો જ સમજી શકાય જો આપણે સૂક્ષ્મ બ્રહ્માંડને સમજીએ અને સૂક્ષ્મ બ્રહ્માંડ તો જ સમજાય જો આપણે વિશાળ બ્રહ્માંડને સમજી શકીએ. માટે સૂક્ષ્મ બ્રહ્માંડમાં વિશાળ બ્રહ્માંડ સમાયેલું છે અને વિશાળમાં સૂક્ષ્મ. સૂક્ષ્મ અને વિશાળ તો માત્ર નામ છે તે એકના એક જ છે. હકીકતમાં સૂક્ષ્મ બ્રહ્માંડ, વિશાળ બાહ્ય બ્રહ્માંડથી પણ ઘણું મોટું છે.

હકીકતમાં મોટા-નાના જેવું કાંઈ છે જ નહીં. તમે વસ્તુને કયા પ્લેટફોર્મ પરથી તેને જોવો છે, તેના પર બધો આધાર છે. પૃથ્વી પર રહીને આપણે ગંગા કે બ્રહ્મપુત્રા નદી જોઈએ જે કેટલી વિશાળ લાગે. પણ એરોપ્લેનમાંથી જોઈએ તો તે માત્ર પાતળી રેખા જેવી લાગે. હિમાલય કેટલો ઊંચો છે, પણ વિમાનમાંથી જોતાં તે નાના નાના ટેકરા કે પૃથ્વીની સપાટીમાં પડેલી ફોલ્ડ (ઘડી) જેવો લાગે. આપણા માથાનો વાળ આપણા માટે પાતળી રેખા જેવો લાગે, પણ બેકટેરીયા માટે તે વિશાળ બુગદું લાગે. આપણા માટે પૃથ્વી કેટલી મોટી છે પણ દૂર દૂર અંતરીક્ષમાં જઈએ તો તે માત્ર બિન્દુ લાગે. આપણો સૂર્ય ૧૩ લાખ પૃથ્વીને પોતાનામાં સમાવે છે. પણ મંદાકિની લેવલ પર તે માત્ર બિન્દુ છે. આપણી આકાશગંગા મંદાકિની એટલી બધી વિશાળ છે કે તેમાં એકબીજાથી સરાસરી ૪૫૦૦૦ અબજ કિલોમીટર દૂર ૫૦૦ અબજ સૂર્યો છે પણ બ્રહ્માંડના સ્તરે તે માત્ર બિન્દુ છે. બોલો, લો, આમાં કોને મોટું કહેવું અને કોને નાનું કહેવું? બ્રહ્માંડમાં નાના છે તે જ મોટા છે અને મોટા છે તે જ નાના છે. (ક્રમશ:)

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=139545


આભાસી દૃશ્યોથી ભરેલું બ્રહ્માંડ

બે નાના મોટા સમકેન્દ્રીય વર્તુળ દોરો. આ બંને વર્તુળો નાના મોટા હોવાં છતાં સરખાં જ છે. કેન્દ્રમાંથી ત્રિજ્યાઓ દોરો જે બંને વર્તુળોને મળે. આપણે તેથી જોઈ શકીએ છીએ કે જેટલા બિન્દુ નાના વર્તુળ પર છે, તેટલાં જ બિન્દુઓ મોટા વર્તુળ પર છે. એક પણ ઓછું નહીં અને એક પણ વધારે નહીં. માટે ઉપર ઉપરથી દેખાતાં સમકેન્દ્રીય નાના મોટા વર્તુળો, હકીકતમાં આખાં જ છે. એટલે આ બ્રહ્માંડ જે દેખાય છે, તે તમે કઈ દૃષ્ટિથી, કયા પ્લેટફોર્મ પરથી તેને જોવો છો તેના પર આધાર રાખે છે. છે ને બ્રહ્માંડની વિચિત્રતા? આપણા ઋષિ-મુનિએ કહ્યું છે કે પિંડે તે બ્રહ્માંડે જીવ શિવ થઈ શકે છે. હકીકતમાં પૃથ્વી અને બ્રહ્માંડ વચ્ચે એક-એક સંગતતા (જ્ઞક્ષય જ્ઞિં જ્ઞક્ષય ભજ્ઞિયિતાજ્ઞક્ષમયક્ષભય) છે. હકીકતમાં પૃથ્વી નાની છે અને બ્રહ્માંડ મોટું છે તેમ કહેવાનો કોઈ અર્થ નથી. શેર માથે સવાશેર તેનો અર્થ જ આ છે, કે બ્રહ્માંડમાં કોઈ મોટું નથી અને કોઈ નાનું નથી. કીડી પણ કાળા નાગનો પ્રાણ લઈ શકે છે અને નાનો મચ્છર પણ મોટા હાથીનું મૃત્યુ નીપજાવી શકે છે. સૂર્ય અબજો ને અબજો કિરણો અંતરીક્ષમાં છોડે છે. એટલે કે સૂર્યમાં અબજો અને અબજો કિરણો સમાયેલાં છે. પણ માત્ર આપણે સૂર્યનું એક જ કિરણ લઈએ તો પ્રયોગશાળામાં પૂર્ણ સૂર્ય હાજર થાય છે. એટલે કે દરેકે દરેક કિરણમાં સૂર્ય છે. સૂર્યમાં કિરણો અને દરેકે દરેક કિરણમાં સૂર્ય. કહો કિરણ મોટું કે સૂર્ય? આપણે કહી જ ન શકીએ કે કિરણ મોટું કે સૂર્ય. તે બંને એક જ સાઈઝનાં ગણાય. આ બ્રહ્માંડની વિચિત્રતા ગણાય કે નહીં? આનો અર્થ એમ થયો કે ઙફિિં શત ઊિીશદફહયક્ષિં જ્ઞિં ૂવજ્ઞહય. આ કુદરતમાં જ બની શકે, બ્રહ્માંડમાં જ બની શકે. આ બ્રહ્માંડની વિચિત્રતા છે. પૂરી અસીમિત રેખામાં જેટલા બિન્દુઓ છે, તેટલાં જ બિન્દુઓ તેના નાના ભાગમાં પણ છે. તો કોને મોટા કહેવાં? રેખાને કે તેના નાના ભાગને? માત્ર કુદરતમાં જ ઙફિિં શત ઊિીશદફહયક્ષિં જ્ઞિં ૂવજ્ઞહય હોઈ શકે, બીજે ક્યાંય પણ નહીં. આજનું જિનેટિક એન્જિનિયરિંગ કહે છે કે માનવીના ઉગઅ-છગઅ જીન્સ - ક્રોમોઝોમમાં આખેઆખો માણસ સમાયેલો હોય છે. જેમ એક નાના બીજમાં આખે આખું વૃક્ષ સમાયેલું હોય છે એટલે કે આજથી ૫૦૦ વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ ગાયેલું કે બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું. વિજ્ઞાને આજે નરસિંહ મહેતાના આ શબ્દોને સાચા સાબિત કર્યાં છે. માટે જ્યારે આંબાનો ગોટલો કે બોરનો ઠળિયો જુઓ તો તેને તેમાં તેના પૂરા ઝાડ સાથે જો જો. આ બ્રહ્માંડની મોટી વિચિત્રતા છે.

રાજસ્થાનના રણમાં ઉનાળામાં ૫૫ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાન રહે છે. એન્ટાર્કટિકામાં ઉષ્ણતામાન વધારેમાં વધારે ઓછા ચાલીસ ડિગ્રી ઉષ્ણતામાન રહે છે. એન્ટાર્કટિકાના માનવીઓને ઉનાળામાં રાજસ્થાનના રણમાં લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે કે રાજસ્થાનના માણસો બોઈલરમાં રહે છે. શનિ ગ્રહની ઉપગ્રહમાળામાં ઉષ્ણતામાન ઓછા ૨૦૦ અંશ સેલ્સિયસ રહે છે. ધારો કે શનિના કોઈ ઉપગ્રહ પર માણસો હોય અને તેમને એન્ટાર્કટિકામાં લઈ આવીએ તો તેઓ શું કહે? તેઓ કહે કે એન્ટાર્કટિકામાં માણસો બોઈલરમાં રહે છે. પ્લુટો પર ઉષ્ણતામાન ઓછા ૨૩ અંશ સેલ્સિયસ છે. ધારો કે પ્લુટોના કોઈ ઉપગ્રહ પર માણસો હોય અને તેમને શનિના માનવવસાહતવાળા ઉપગ્રહ પર લઈ આવીએ. તો તેઓ શું કહે? તેઓ કહે કે શનિના પેલા ઉપગ્રહ પર માણસો બોઈલરમાં રહે છે. તો થાય કે આમાં ખરેખર બોઈલર કયું? આ બ્રહ્માંડની દરેક દરેક જગ્યા બોઈલર અને કોઈ પણ જગ્યા બોઈલર નથી. આવું જગ્યા વિષેનું પરસ્પર વિરોધી વિધાન આપણે બ્રહ્માંડ વિષે કરી શકીએ. શું બ્રહ્માંડમાં આ વિચિત્રતા નથી?

આપણે સવાર થતાં વિમાનમાં પશ્ર્ચિમમાં મુસાફરી શરૂ કરીએ. આપણું વિમાન એવું હોય કે તે અણુ ઊર્જાથી વર્ષોનાં વર્ષો ચાલે. તેમાં ખોરાક ને બધી વ્યવસ્થા હજારો વર્ષ સુધી ચાલે તેવી હોય. ત્યાં બાળક જન્મે, તો એ બાળકને રાત શું છે, તારા શું છે, અંધકાર શું છે તેની ખબર જ ન હોય. આવા જ યાનમાં રાત થતાં પૂર્વ તરફ મુસાફરી શરૂ કરીએ અને તે યાનમાં બાળક જન્મે તો તેને દિવસ શું હોય, સૂર્ય શું હોય તેની ખબર જ ન પડે. પૃથ્વી પર આપણે આપણને સ્થિર અનુભવીએ છીએ. પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરે છે અને સૂર્ય ફરતે તે એક સેક્ધડના ૩૦ કિલોમીટર (એક કલાકના એક લાખ અને આઠ હજાર કિલોમીટર)ની ઝડપથી પરિક્રમા કરે છે તે આપણે મહેસૂસ કરતા જ નથી. આ બ્રહ્માંડની વિચિત્રતા નહીં તો શું? આપણને પૃથ્વી પરથી સૂર્ય તેની ધરી પર ગોળ ગોળ ફરતો અને પૃથ્વીની પરિક્રમા કરતો લાગે છે. પણ સૂર્ય પર જઈએ તો તે સ્થિર દેખાય અને પૃથ્વી તેની ધરી પર ગોળ ગોળ ફરતી દેખાય અને સૂર્યની પરિક્રમા કરતી દેખાય. આવી તો ઘણી વિચિત્રતાથી બ્રહ્માંડ ભરેલું છે. બ્રહ્માંડમાં ઘણી વાર જે દેખાય છે તે સાચું હોતું નથી અને ખરેખર સાચું હોય છે તે ઘણી વાર દેખાતું નથી. બ્રહ્માંડમાં અબજો ને અબજો તારા અને અબજો ને અબજો તારા ભરેલી મંદાકિનીઓ છે. તેમ છતાં રાતે આકાશ કાળું ધબ દેખાય છે. આકાશ એવું દેખાય છે કે જાણે આપણે તેને ઊંચે જઈએ તો અડી શકશું. પણ એ શક્ય નથી. આવડું મોટું વિશ્ર્વ છે તેમ છતાં ક્ષિતિજ આપણા દૃશ્ય વિશ્ર્વને સીમિત બનાવે છે. આ બધી બ્રહ્માંડની વિચિત્રતા છે. પૃથ્વી ગોળ દડા જેવી છે પણ સ્થાનિક રીતે તે સપાટ દેખાય છે. પૃથ્વી પરનો રસ્તો વક્ર છે પણ તે આપણને સીધો દેખાય છે. (સમાપ્ત)



















No comments:

Post a Comment