Friday, August 29, 2014

રોટલા, કઠોળ ને ભાજી... ખાનારની તબિયત તાજી...

ખાય જે બાજરીના રોટલા અને મૂળાનાં પાન,

શાકાહારને લીધે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, ...તે ખાનારની તબિયત તાજી,

મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,

શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદું રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,

શ્વાસ, શરદી અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,

નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફળગાવેલાં કઠોળ જે ખાય, તે લાંબો, પહોળો અને તગડો થાય

દૂધ-સાકર, એલચી, વરિયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.

લીંબુ કહેઃ હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,

સેવન કરો જો મારું તો પિત્તને મારું હું લાતો.

ચણો કહેઃ હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,

ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહેઃ હું લીલો દાણો અને મારે માથે ચાંદું,

જો બે-ચાર મહિના ખાય તો માણસ ઉઠાડું માંદું.

કારેલું કહેઃ કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,

રસ જો પીએ મારો, ડાયાબિટીસની બાંધું ચોટલી.

આમલી કહેઃ મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પૂરા ત્રીસ,

લીંબુ કહેઃ મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પૂરા વીસ.

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસું રોગીનું,

શાકાહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

No comments:

Post a Comment