પ્રેમની અનુભૂતિ બે પ્રકારના પ્રતિભાવ તરફ માણસને લઈ જાય છે. કાં તો એ જગતને ભૂલીને પોતાના નવા વિશ્ર્વમાં ઝૂમતો હોય છે નહીં તો પછી નિરાશાથી વધુ ઠાવકો બનીને જગતને નિહાળતો હોય છે. એકપક્ષી પ્રેમ ક્યારેય સફળ થતો નથી, કારણ એ હંમેશાં સામી વ્યક્તિની લાગણીનો પડઘો સાંભળવા આતુર હોય છે. આવો પડઘો જેટલો પોતાને પક્ષે પ્રબળ હોય એટલો જ સામે પક્ષે હોવો જોઈએ એવી ઊંડી ઝંખના દરેક પ્રેમીને ઘેરી વળતી હોય છે. જે કહો તે પણ પ્રેમની આવી કોઈપણ છેડાની સંવેદનાને પામવા દરેક વ્યક્તિ આતુર હોય છે. પછી ભલે એની પરિણતિ વેદનાસભર હોય. માણસની આવી વૃત્તિ જોતાં કહેવાનું મન થાય કે પ્રેમના અભિશાપનેય માણસે સહ્યો છે. આવી યાતના સહેવા માટેના કવચ-કુંડળ માણસે ક્યાંથી મેળવ્યાં છે? એનું ભીતરનું શાણપણ મોડું મોડું જાગીનેય આ શક્તિ આપતું હોય છે.
પ્રીતિ સેનગુપ્તા એક કવયિત્રી તરીકે જેટલાં જાણીતાં છે એનાથીયે વધારે પ્રવાસ લેખિકા તરીકે માનીતાં છે. કવયિત્રી તરીકે એનું એક પાસું હંમેશાં આપણું ધ્યાન ખેંચે છે કે કવિતામાં એમણે ભીતરનો પ્રવાસ કર્યો છે. પ્રેમના અનુભવની, આશા-નિરાશાની બે દિશામાં ફંગોળાતા માણસની વ્યથાને એમણે ઓળખી છે જેની પ્રતીતિ આ રચના કરાવી જાય છે. ચણ નાખીને પંખીની રાહ જોતા માનવી ધર્માત્મા પણ હોય અને પારધી પણ હોય. ચણ એ પંખીને આકર્ષવાનું એક સાધન છે પણ એનાથી પક્ષી આવશે જ એવી કોઈ બાંહેધરી આપી શકતું નથી. જેમ પક્ષી સાથે એની મરજી સંકળાઈ છે તેમ પ્રેમની સાથે પણ છે. પ્રેમનું પંખી પણ અચાનક ઊતરી આવે અથવા ન પણ આવે, ત્યારે નિરાશા પંખીની પ્રતીક્ષા કરનાર, પ્રેમની પ્રતીક્ષા કરનાર માણસને ભાગે આવે છે. પક્ષીની જેમ પતંગિયું પણ પોતાની પાંખના બળે પૃથ્વીથી થોડું ઊંચે ઊડી આભ સાથે સંબંધ રાખી શકે છે. પ્રેમ પણ લૌકિકથી અલૌકિકની યાત્રા પોતાની શક્તિ પ્રમાણે કરતો હોય છે. જેવી ચણ છે તેવું ફૂલોમાં સંચિત મધુનું છે. આ કવિતાની પ્રત્યેક પંક્તિમાં પ્રેમની પ્રતીક્ષા છે. પ્રેમ દરેક પ્રેમીને એક એવું દર્પણ આપે છે કે જેમાં વ્યક્તિ પોતાનો નહીં; પ્રેમીનો ચહેરો જોઈ શકે છે. એ ચહેરાના ભાવ પોતાના પ્રેમનો પડઘો પાડે છે. આવો બિંબ-પ્રતિબિંબ ન્યાય જાણે પ્રેમની પહેલી ઝાંખી કરાવે છે. ‘જે કોઈ પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે.’ સદીઓ પહેલાં કવિ દયારામ ‘પ્રેમ’ માટે જે લાલબત્તી ધરે છે; ચેતવણી આપે છે એ સદીઓ પછી આપણને ગળે ઊતરે એવી રીતે આ કવયિત્રી કહે છે. જુદા જુદા પ્રતિરૂપો જાણે પ્રેમની નિષ્ફળતાની વાત કરે છે, કારણ પ્રેમ હંમેશાં પ્રતીક્ષાની નિયતિ લખાવીને આવ્યો છે. પ્રેમ કરનાર પાત્રની પાત્રતાની આ ઝંખના છે. જે પાત્રતાની વાત અપેક્ષિત છે. એ ક્યારેક એક જન્મમાં પણ મળતી નથી. તેથી પ્રેમને નખશિખ પામવાની વાત એકાદ જન્મમાં સફળ ન પણ થાય. આવી અપેક્ષાને જાણીને જો પ્રેમ પાસે માણસ જાય તો એ પ્રેમ ક્યારેક કપૂરકાયા બનીને ઊડી જાય છે. પંખી અને પતંગિયાની પ્રતીક્ષા કરવી જ પડે છે. અનુભવ માણસના સ્તરને બદલવાની શક્તિ ધરાવે છે. પ્રેમના પણ વિવિધ સ્તર છે. પહેલા સ્તરને અનુભવતો પ્રેમી બાળક જેવું રમતિયાળ મન ધરાવતો હોય તો એને પ્રેમના ઊંડા જળમાં તરવાને બદલે ખાબોચિયામાં છબછબિયાં કરવામાં રસ પડે. ધુમ્મસિયા ભેજથી છવાયેલા કાચ પર પોતાનું અને પ્રિયતમાનું નામ લખવામાં રસ પડે, તોફાન કરે, મુગ્ધલીલામાં રાચે. પણ કવયિત્રીને આનાથી આગલા સ્તરના પ્રેમની વાત કરવી છે. ધૂળિયાં પગલાંના સ્પર્શથી અહલ્યાની સદીઓની પ્રતીક્ષાનો અંત ન લાવી શકે એ તે કેવો પ્રેમ! સદીઓના ઝંઝાવાતોમાંથી પસાર થતો પ્રેમ પણ આવી અનુભૂતિની નવી અભિવ્યક્તિ કરતો હોય છે. રસ્તા પરની અર્થશૂન્ય અવરજવરમાં કવયિત્રીની પ્રેમની પરિભાષા ક્યાંય અટવાતી નથી. દૂર રહીને સ્પર્શ શૂન્ય વ્યક્તિ માટે તપોમગ્ન રહેવાની ઝંખના અહીં ક્યાંય દેખાતી નથી. પ્રેમ એ પરસ્પરને કરેલું દાન છે. એ પણ દાનની સભાનતા વગર કરેલું દાન છે. એ કંઈ અપાત્રને કરેલું પ્રેમનું દાન નથી, પ્રેમની અનુભૂતિ આવી પરિપકવ સમજણને આભારી છે. યાતનાની અગ્નિપરીક્ષા આપ્યા પછી જ પ્રેમનું કુંદન ઝળહળી ઊઠે છે. વિષાદને પચાવવાની એક શાંત ભૂમિકા કવયિત્રીએ અહીં સર્જી છે. જે પંખી ન આવવાનું હોય એને માટે ચણ શું કામ નાખવી? જે પતંગિયું ન આવવાનું હોય એને માટે ફૂલોએ મધુના સાજ શું કામ સજવા? પારસમણિની પ્રતીક્ષા કરવાનો નિરર્થક પ્રયત્ન શું કામ કરવો? જે પ્રેમને તપ:પૂત બનાવ્યો છે એને ઊંચા સ્તરથી ઉતારી અપાત્રે પ્રેમનું દાન શું કામ કરવું? સંસારના પાત્રોની નિષ્ફળતા જોયા પછીની આ અલિપ્તતા છે. કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરના ગીતની પંક્તિઓ યાદ આવે છે. ‘આમાર એઈ પથ ચાવાતેઈ આનંદ ખેલે જાય રૌદ્ર છાયા, વર્ષા આસે વસંત’ (પથને નિહાળવાનો મારો આ આનંદ! તડકી - છાંયડી ને વર્ષા - વસંતને આવનજાવન કરતા જોઉં છું.) પ્રેમની પરિભાષા અને એની માવજત કેવી નવી રીતે પ્રીતિ સેનગુપ્તાની આ રચનામાં અનુભવાય છે એ રસપ્રદ પ્રક્રિયા છે. --- પ્રતીક્ષા ચોકમાં ચણ નાખીને બેસી રહું છું મારા બોલાવ્યાથી જ પંખી આવી નથી જતું. એ આવે છે એની મરજીથી. ફૂલો મધુના ભારથી લચી પડી તો શું? મન થશે ત્યારે જ ફરફરતું પતંગિયું આવશે રસ્તામાંના ખાબોચિયામાં છબછબિયાં કરવાનું મન નથી થતું હવે. ભેજની શેવાળથી છવાયેલા કાચ પર નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે. અવરજવર તો રહી, ને ધૂળિયાં પગલાંયે ઘણાં પડ્યાં, પણ કોઈનાયે પદક્ષેપથી શલ્યાનો ઉદ્ધાર નથી થયો હજી. જાણું છું જે પંખી ના આવે તેને માટે ચણ નાખીને બેસી રહેવું. જે પતંગિયું ભમ્યા કરે તેને માટે ફૂલોએ સાજ સજવા, જેનો સ્પર્શ થવાનો નથી તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું તે તો છે અપાત્રને કરેલું પ્રેમનું દાન. - પ્રીતિ સેનગુપ્તા |
Tuesday, June 10, 2014
અપાત્રે પ્રેમનું દાન શા માટે કરવું? -- પ્રીતિ સેનગુપ્તા --- નલિની માડગાંવકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment